- વરસાદના કારણે રસ્તો લપસણો બની જતા ટેમ્પો પલટી ગયો હતો
- ઇજાગ્રસ્તોને સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખસેડાયા, અકસ્માત બાદ ટેમ્પોનો ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર

વડોદરાના વાઘોડિયા તાલુકાના તરસવા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ખેતરમાં ડાંગર રોપણીનું કામ પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા મજૂરો ભરેલો પીકઅપ ટેમ્પો ગત રોજ (12 ઓગસ્ટ) પલટી ખાઈ જતાં 6થી વધુ મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

વાઘોડિયાના જેસિંગપુરા પાસે ડાંગર રોપી મજૂર ભરેલો પીકઅપ ટેમ્પો પરત ફરી રહ્યો હતો. વરસાદના કારણે પીકઅપ ટેમ્પો પલટી ખાઈ ગયો હતો. ટેમ્પામાં લગભગ 10થી 12 મજૂરો સવાર હતા, જેમાંથી 6થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે. વાઘોડિયાના પઠાણ અયુબખાન શેરુખાને જણાવ્યું હતું કે, વરસાદના લીધે રસ્તો લપસણો બની ગયો હતો, જેના કારણે ટેમ્પો પલટી ગયો હતો. ઘટનાની જાણ 108 એમ્બ્યુલન્સને કરતાં તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
ઘટના બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે નજીકની પારૂલ સેવાશ્રમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 6થી વધુ મજૂરોને સારવાર માટે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ તમામ ઇજાગ્રસ્તોની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે અને તેઓ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે.
પ્રાથમિક માહિતી અનુસાર ટેમ્પોનો ડ્રાઇવર અકસ્માત બાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો છે. પોલીસે આ ઘટના અંગે તપાસ શરૂ કરી છે અને ડ્રાઇવરની શોધખોળ હાથ ધરી છે. વરસાદી રસ્તાને કારણે સ્લિપ થવાનું પ્રાથમિક કારણ હોવાનું માનવામાં આવે છે, પરંતુ પોલીસ અન્ય પાસાઓની પણ તપાસ કરી રહી છે.


