વડોદરા પાલિકા સંચાલિત સંચાલિત આરોગ્ય કેન્દ્રનો એક વર્ષમાં 3 લાખથી વધુ લોકોએ લાભ લીધો

કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રો ગરીબો માટે સંજીવની, આરોગ્યની સુવિધા હજુ વધારવામાં આવશે

MailVadodara.com - More-than-3-lakh-people-benefited-from-the-health-center-run-by-Vadodara-Municipality-in-a-year

- 2 લાખથી વધુ લોકોની લેબોરેટરી તપાસ કરાઈ, 300થી વધુ નિઃશુલ્ક સિઝેરિયન ડિલિવરી કરાઈ

- અર્બન કૉમ્યુનીટી હેલ્થ સેન્ટર્સ ખાતે એપ્રીલ-2025થી અત્યાર સુધી કુલ- 3,12,761 ઓપીડી સારવાર અને આઇપીડીમાં 6725 શહેરીજનોએ વિનામુલ્યે સારવાર લીધી

વડોદરા મહાનગરપાલિકા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દિન પ્રતિદિન સુવિધાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. જે ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે સંજીવની સમાન પુરવાર થઈ રહી છે. શહેરમાં આવેલા વિવિધ સીએચસી અને પીએચસી સેન્ટર ખાતે દર્દીઓની સારવાર નિઃશુલ્ક કરવામાં આવી રહી છે જેનો મહત્તમ લાભ લોકો લઈ રહ્યા છે. વડોદરા શહેરના 3 લાખથી વધુ લોકોએ આરોગ્ય કેન્દ્રમાં સારવાર મેળવી છે.

પાલિકાના આરોગ્ય વિભાગના પૂર્વ ચેરમેન અને વર્તમાન સ્થાયી સભ્ય ડો. રાજેશ શાહે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ હસ્તક શહેરના જુદા જુદા વિસ્તારોમાં જરૂરી સુવિધા અને સવલત સજ્જ કુલ-40 અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર્સ, કુલ-4 અર્બન કૉમ્યુનીટી હેલ્થ સેન્ટર્સ અને કુલ - 80 આયુષ્યમાન આરોગ્ય મંદિરો કાર્યરત છે. આ હેલ્થ સેન્ટરમાં નાગરિકો માટે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અગાઉ પીએચસીમાં એક્સ રે અને સોનોગ્રાફી મશીન ન હતા. જેની સુવિધા પણ હવે કેટલાક આરોગ્ય કેન્દ્રમાં ઉભી કરવામાં આવી છે.

અર્બન કૉમ્યુનીટી હેલ્થ સેન્ટર્સ ખાતે એપ્રીલ - 2025થી અત્યાર સુધી કુલ- 3,12,761 ઓપીડી સારવાર અને આઇપીડીમાં કુલ- 6725 શહેરીજનોએ વિનામુલ્યે સારવાર લીધી છે. જેમાં 2,62,803 લેબોરેટરી તપાસ કરવામાં આવી છે. 36137 લોકોના એક્સ-રે રીપોર્ટ, અને 3202 સોનોગ્રાફી તપાસ કરવામાં આવી છે.

ગર્ભવતી સ્ત્રીઓ માટે પણ આરોગ્ય કેન્દ્રમાં સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલમાં જે સારવાર લાખો રૂપિયા ખર્ચીને કરવામાં આવે છે તે આ આરોગ્ય કેન્દ્રમાં નિઃશુલ્ક કરાયા છે એમ, ડો. રાજેશ શાહે ઉમેર્યું હતું. વિવિધ આરોગ્ય કેન્દ્રમાં એક વર્ષમાં 1064 પ્રસુતિ, 324 મહિલાઓના સીઝેરીયન ઓપરેશન, 1115 અન્ય ઓપરેશન કરવામાં આવ્યા છે.

સ્થાયી સમિતિના ચેરમેન ડો. શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે, શહેરીજનોની સુખાકારી માટેના આયોજન આ વખતે બજેટમાં પણ કરવામાં આવ્યા છે. આરોગ્ય લક્ષી સુવિધાઓ વધારવા માટેના પણ આયોજનો કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં નગરજનોને હજુ વધુ સારી સુવિધાઓ મળે માટે તે દિશામાં પ્રયાસો કરવામાં આવશે.

Share :

Leave a Comments