વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક અઠવાડિયામાં HSRP વગરનાં 100થી વધુ વાહનો ડિટેઇન કરાયાં

શહેરમાં વિશેષ ટ્રાફિક ડ્રાઇવ, HSRP વગરનાં વાહનો સામે ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી

MailVadodara.com - More-than-100-vehicles-without-HSRP-detained-in-a-week-in-Vadodara-city

- વર્ષ 2017થી HSRP લગાવવાનો નિયમ અમલી હોવા છતાં અનેક વાહનોમાં પ્લેટ ગેરહાજર, અન્ય વિસ્તારોમાં પણ ડ્રાઇવ ચાલુ રહેશે, 500થી વધુને ઇ-ચલણ ફટકારાયાં

શહેરમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) વગર અને ફેન્સી નંબર પ્લેટ સાથે ફરતા વાહનચાલકો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) ની સૂચનાના પગલે શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં માત્ર એક જ અઠવાડિયામાં HSRP વગરના 100થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે નિયમનો ભંગ કરનાર 500થી વધુ વાહનચાલકો સામે ઇ-ચલણની કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરા ટ્રાફિક વેસ્ટના ACP ડી. એમ. વ્યાસે આ ઝુંબેશ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો નિયમ વર્ષ 2017 થી જ અમલમાં છે. તેમ છતાં શહેરના કેટલાક વાહનચાલકો દ્વારા હજુ સુધી HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી નથી કે પછી તેઓ ફેન્સી નંબર પ્લેટ લગાવીને નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે. આવા વાહનચાલકો સામે શહેર પોલીસે તપાસ અને દંડાત્મક કાર્યવાહી વધુ કડક બનાવી છે.

ટ્રાફિક નિયમોના પાલન માટે પશ્ચિમ વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં HSRP વગરના 100 થી વધુ વાહનો સ્થળ પર જ ડિટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત નિયમનો ભંગ કરનાર 500 થી વધુ વાહનચાલકોને ઇ-ચલણ (મેમો) ફટકારવામાં આવ્યા છે.

પોલીસ દ્વારા આ કડક કાર્યવાહીની સાથે સાથે વાહનચાલકોને અપીલ પણ કરવામાં આવી છે કે, તેઓ દંડાત્મક કાર્યવાહીથી બચવા માટે પોતાના વાહનમાં ફરજિયાત હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) લગાવડાવી લે અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરે. આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રાખવામાં આવશે તેવો સંકેત આપવામાં આવ્યો છે.

Share :

Leave a Comments