શહેરની સયાજી હોસ્પિટલમાંથી પોલીસ કસ્ટડીને ધોકો આપીને ફરાર થઈ ગયેલા ગુજસીટોક જેવા ગંભીર ગુનાના કુખ્યાત આરોપી મોહસીન મીંડીને ગોધરા ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. રેલવે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને ગોધરા પોલીસે સંયુક્ત રીતે ઓપરેશન હાથ ધરી આ આરોપીની પુનઃ ધરપકડ કરી હતી. પોલીસ જાપ્તામાંથી નાસી છૂટવાના 11 કલાક બાદ આ આરોપી પોલીસના હાથે લાગ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ગુજસીટોકના આરોપી મોહસીન મીંડીને પોલીસ જાપ્તા હેઠળ તબીબી સારવાર અર્થે હોસ્પિટલના મેલ વોર્ડમાં લાવવામાં આવ્યો હતો. આ નાજુક અને સંવેદનશીલ ક્ષણનો લાભ લઈને ચાલાક આરોપી ફરજ પરના પોલીસકર્મીઓની આંખમાં ધૂળ નાખીને અને કાયદાની પકડમાંથી સરકી જઈને પલાયન થઈ ગયો હતો. કુખ્યાત અપરાધી આ પ્રકારે પોલીસને હાથતાળી આપીને રફૂચક્કર થઈ જતાં વડોદરા પોલીસ તંત્રમાં તાત્કાલિક ધોરણે ઉચ્ચ સ્તરીય હિલચાલ શરૂ થઈ ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. જો એક આ આરોપી ગોધરાના સિગ્નલ ફળીયા આસપાસ રહેતો હોવાથી ત્યાંની પોલીસ અને રેલવે પોલીસ પણ એલર્ટ મોડમાં આવી ગઈ હતી. પોલીસ વડાઓની સૂચના અનુસાર વિવિધ ટીમો દ્વારા તાત્કાલિક નાકાબંધી અને સઘન તપાસના ચક્રોગતિશીલ કરવામાં આવ્યા હતા, જેના પરિણામે આખી રાત અને દિવસ દરમિયાન ચાલેલા સઘન ઓપરેશનના અંતે આશરે 11 કલાકના ટૂંકા સમયગાળામાં જ ફરાર આરોપીની ચોક્કસ ભાળ મેળવી લેવામાં સફળતા મળી હતી. રેલવે પોલીસ, ગોધરા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની સંયુક્ત કાર્યવાહીના ભાગરૂપે કુખ્યાત મોહસીન મીંડીને ગોધરા પંથકમાંથી દબોચી લેવામાં આવ્યો હતો. આ આરોપી પોતાના ઘરે જઈને મિત્રો સાથે નશો કરવા માટે જતો હતો દરમિયાન પોલીસે તેને દબોચી લીધો હતો.
પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટયા બાદ રેલવે પોલીસે બેદરકારી દાખવવા બદલ ચાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. રેલવે વિભાગના ડીએસપી અભય સોનીએ જણાવ્યું હતું કે, આ ચારેયને સસ્પેન્ડ કરી તેઓ સામે ખાતાકીય તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ આરોપી વિવિધ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો હતો જેમાં રાયોટીંગ, હત્યાનો પ્રયાસ સહિતના ગુનાઓનો સમાવેશ થાય છે.


