- રિક્ષાચાલક સહિત ત્રણના મોબાઇલ લૂંટ્યા, પોલીસે બંને પાસેથી મોબાઇલ કબજે કર્યા
વડોદરાના ફતેગંજ અને આસપાસના વિસ્તારમાં મોબાઇલ લૂંટવાના બનેલા બનાવોની તપાસ દરમિયાન પોલીસે બે ગઠીયાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પ્રાથમિક પૂછપરછમાં તેમણે ટૂંકા ગાળામાં ત્રણ મોબાઈલ લૂંટ્યા હોવાની વિગતો ખુલી છે.
ફતેગંજ વિસ્તારમાં રીક્ષા ચાલકનો મોબાઇલ લૂંટી બે યુવકો ફરાર થઈ જવાના બનાવની તપાસ દરમિયાન સયાજીગંજ પોલીસે કડક બજાર વિસ્તારમાંથી રીક્ષા ચાલક આકીબ ઈસ્માઈલ ભાઈ સૈયદ (રહે. કમાટીપુરા, ફતેગંજ) ને ઝડપી પાડી તેની પાસેથી મોબાઇલ કબ્જે કર્યો હતો.
આરોપીની પૂછપરછ દરમિયાન એક અઠવાડિયા પહેલા પણ તેમણે પ્રતાપગંજ ચોકી પાસેથી પસાર થતાં એક યુવકને રોકી તેનો મોબાઇલ લૂંટી લીધો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આકીબના સાગરીત ફૈજાન ઉર્ફે બીડી ઈખત્યાર ભાઈ પઠાણ (રહે. સ્લમ ક્વાટર, કમાટીપુરા)ને નરહરી હોસ્પિટલ પાસેથી શોધી કાઢી તેની પાસેથી પણ મોબાઈલ કબજે કર્યો હતો.
બંને આરોપીઓએ ફતેગંજ વુડા પાસે પણ આવી જ રીતે એક રીક્ષા ચાલકનો મોબાઈલ લુટ્યો હોવાની વિગતો ખુલી હતી. જેથી પોલીસ બીજા ગુનાઓ બાબતે પણ પૂછપરછ કરી રહી છે.


