- સ્થાનિક લોકોએ કહ્યું- કોર્પોરેટરો ખાલી વોટ લેવા આવે છે, ઘરે પાણી આવતું નથી ને લાખો લિટર પાણી વેડફાય છે, લાગે છે કે તંત્રને લોકોની મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી
વડોદરા શહેરના કલાલી રોડ વિસ્તારમાં પીવાના પાણીની પાઇપલાઇન ફાટી જતાં લાખો લિટર શુદ્ધ પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રોડ પર સતત વહેતા પાણીના કારણે વાહનવ્યવહારમાં મુશ્કેલી ઉભી થઈ છે અને સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે, તંત્ર તાત્કાલિક લીકેજ દૂર કરી પાણીનો વેડફાટ રોકે.

સ્થાનિક રહેવાસી રાકેશ ઠાકોરે જણાવ્યું કે, કલાલી રોડ પર પીવાના પાણીની મુખ્ય લાઇનમાં ભંગાણ થતાં લાખો લિટર પાણી વેડફાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કાના સોસાયટી સામે પણ ખાડો પડ્યો હતો, જે પીવાના પાણીની લાઇન તૂટવાના કારણે બન્યો હતો. મહિનો વીતી ગયો છતાં મ્યુનિસિપલ કોર્પોરેશને તેનું સમારકામ કર્યું નથી. હવે ફરી એક મોટું લીકેજ ઊભું થયું છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, કલાલી ફાટક બ્રિજ નીચે છેલ્લા બે મહિનાથી પાણી લીકેજ ચાલુ છે. ત્યાંથી પણ લાખો લિટર પાણી વહે જાય છે છતાં કોર્પોરેશન ધ્યાન આપતું નથી. લોકોના ઘરોમાં પૂરતું પાણી મળતું નથી, જ્યારે રસ્તા પર પાણી વેડફાઈ રહ્યું છે. લાગે છે કે તંત્રને લોકોની મુશ્કેલીઓની કોઈ ચિંતા નથી.

તંત્રને ચેતવણી આપતાં તેઓએ કહ્યું કે, પાણી પુરવઠા વિભાગ તરત કાર્યવાહી કરે અને લીકેજ દૂર કરે, નહીંતર લોકોના ધીરજનો કસોટી સમય આવી જશે. કોર્પોરેટરો ફક્ત ચૂંટણી સમયે જ લોકો પાસે આવે છે, પરંતુ હવે આવી સમસ્યાઓમાં કોઈ દેખાતું નથી. તંત્રએ ગંભીરતાથી પગલાં લેવાની જરૂર છે.
આ ઉપરાંત ખિસકોલી સર્કલ ખાતે હનુમાન મંદિર પાસે પ્રમુખસ્વામી કુટિર તરફના માર્ગ પર પણ પાણીની લાઈનનો વાલ્વ લીકેજ હોવાથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. રજૂઆત કરવા છતાં સમારકામ થઈ રહ્યું નથી.


