- નદીમાં આઠથી દસ મગરો હોવાને કારણે સાવચેતી સાથે બોટ ઉતારી તપાસ કરાઈ, મોડી સાંજ સુધી આધેડનો પત્તો નહીં મળતાં ટીમ પરત ફરી હતી
વડોદરા નજીક ડભોઇ તાલુકામાં દેવ નદીમાં નાહવા ગયેલા એક આધેડને મગર ખેંચી ગયો હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી,પરંતુ મોડી સાંજ સુધી કોઇ પત્તો મળ્યો નથી.

કડધરા ગામેથી પસાર થતી દેવ નદીમાં ગઇકાલે સાંજે એક આધેડ ડુબ્યા હોવાનો બનાવ ચર્ચામાં આવતાં ગામમાં રહેતા રાજુ દિનેશ ભાઇ રાયે ઉપરોક્ત બનાવ અંગે ૧૧૨ ઉપર ફોન કરીને મદદ માગી હતી.જેથી ગાજરાવાડી ફાયર સ્ટેશનની ટીમ દ્વારા આજે નદીમાં બોટ ઉતારી તેમજ બિલાડી નાખીને શોધખોળ કરવામાં આવી હતી.
બનાવની પ્રાથમિક વિગતો મુજબ,આધેડ વયના ગ્રામજન નાહવા ગયા ત્યારે તેઓ નદીમાં ગૂમ થયા હોવાનું જણાઇ આવ્યું છે. નદીમાં આઠથી દસ મગરો હોવાને કારણે ફાયર બ્રિગેડ દ્વારા સાવચેતી રાખીને કામગીરી કરવામાં આવી હતી.પાંચ કિમી વિસ્તારમાં શોધખોળ કર્યા પછી પણ કોઇ સગડ નહિ મળતાં ફાયર બ્રિગેડની ટીમ પરત ફરી હતી.
ઉપરોક્ત બનાવને નજરે જોનાર કોઇ વ્યક્તિ મળી નથી અને બનાવના સ્થળે ફોરેસ્ટ વિભાગની ટીમ કે પોલીસ પણ નહિ દેખાતાં તેમની ગેરહાજરી ચર્ચાનો વિષય બની હતી.


