હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી

વડોદરા શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, લોકો ચિંતાતુર બની ગયા

MailVadodara.com - Meteorological-Department-predicts-heavy-to-very-heavy-rain-in-three-districts-including-Vadodara-today

- રેડ એલર્ટને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ

સતત એક કલાક વરસેલા ભારે વરસાદને પગલે વડોદરાના એમ.જી. રોડ રાવપુરા, અમદાવાદી પોળ, ગોત્રી, સેવાસી માંજલપુર, તરસાલી સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

- પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ, ઠેર-ઠેર પાણી ભરાતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત

હવામાન વિભાગ દ્વારા વડોદરા સહિત ત્રણ જિલ્લામાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. સાથે વડોદરા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. આગાહી પ્રમાણે આજે બપોરથી વડોદરા શહેર અને જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ચાલુ થયો હતો. ભારે વરસાદને પગલે શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હતી. એકધારા વરસી રહેલા વરસાદને પગલે શહેરીજનો ચિંતામાં આવી ગયા હતા. હવામાન વિભાગે આપેલા રેડ એલર્ટના પગલે વડોદરા કોર્પોરેશન અને જિલ્લા વહીવટી તંત્ર સતર્ક થઇ ગયું હતું.

છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા એક પછી એક જિલ્લાને ધમરોળી રહ્યા છે. ત્યારે આજે બપોરે વડોદરા શહેર અને જિલ્લામાં સાંબેલાધારે જોરદાર વરસાદ શરૂ થયો હતો. એક કલાક સતત વરસેલા ભારે વરસાદને પગલે વડોદરા શહેરના એમ.જી. રોડ રાવપુરા, અમદાવાદી પોળ, ગોત્રી, સેવાસી માંજલપુર, તરસાલી સહિતના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.


પ્રિ-મોન્સુન કામગીરીમાં વરસાદી ગટર લાઈનોની યોગ્ય રીતે સફાઈ કરવામાં ન આવવાના કારણે ઠેર-ઠેર વોટર લોગીનની સમસ્યા શરૂ થઈ હતી. પરિણામે શહેરના મુખ્ય માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા હતા. નોકરી ધંધાર્થે નીકળેલા લોકોને પણ ભરાયેલા પાણીના કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સતત વરસી રહેલા વરસાદને કારણે શહેરના બજારોમાં પણ અસર જોવા મળી હતી. ભારે વરસાદના કારણે વડોદરા શહેર થંભી ગયું હતું.

હવામાન વિભાગ દ્વારા વડોદરા જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા લોકો ચિંતાતુર બની ગયા હતા. જોકે એક કલાક બાદ વરસાદની સ્પીડ ઓછી થતા શહેરીજોનોએ રાહત પણ અનુભવી હતી. પરંતુ ધીમીધારે સતત વરસાદ ચાલુ રહ્યો હતો. પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી રહ્યો હોવાથી આજવા અને પ્રતાપ સરોવરની સપાટીમાં વધારો થાય તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. ત્યારે વડોદરા કોર્પોરેશન પણ એલર્ટ થઈ ગયું હતું.

હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે વડોદરા કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ જિલ્લા કલેકટર ડો. અનિલ ધામેલીયાએ તંત્રને સતર્ક રહેવાની સૂચના જારી કરી હતી. વડોદરા ફાયર બ્રિગેડ અને મધ્ય ગુજરાત વીજ કંપનીઓ પણ હવામાન વિભાગની આગાહીને પગલે એલર્ટ થઈ ગયું હતું. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.

વડોદરા શહેરની સાથે જિલ્લાના તમામ તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ શરૂ થયો હોવાના અહેવાલો મળ્યા હતા. આ ઉપરાંત વડોદરા જિલ્લાના ઉપરવાસમાં એટલે કે પંચમહાલ જિલ્લામાં પણ ભારે વરસાદ હોવાના કારણે વિશ્વામિત્રી નદીની સપાટીમાં નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.

Share :

Leave a Comments