- પેકિંગ થાય તે પૂર્વે જ ૫૨૦૦ કિલો ખુલ્લું ઘી અને વિવિધ બ્રાન્ડનું ૨૯૩૬ કિલો પેક કરેલું ઘી સ્થળ પર જ અટકાવી દેવાયું
નાગરિકોના આરોગ્ય અને જનસ્વાસ્થ્યની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની કટિબદ્ધતા સાથે, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (વડોદરા વર્તુળ)ની કચેરી દ્વારા દિવાળીના તહેવારો પૂર્વે એક મોટી અને સફળ કાર્યવાહી કરવામાં આવી છે. પોર જી.આઈ.ડી.સી. ખાતે કાર્યરત મે. ચાલીસા ફુડ્સ નામની ખાદ્યચીજોનું ઉત્પાદન કરતી પેઢી પર તંત્રની ટીમે રવિવારની મોડી સાંજે ઓચિંતો દરોડો પાડીને કુલ ૮,૧૩૬ કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કર્યો છે, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા ૪૨ લાખ જેટલી થવા જાય છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ડેઝિગ્નેટેડ ઓફિસરની રાહબરી હેઠળની ખાસ ટીમે જાહેર નાગરિક તરફથી મળેલી ચોક્કસ ફરિયાદ અને બાતમીના આધારે તા. ૧૮/૧૦/૨૦૨૬ને રવિવારના રોજ સાંજના સમયે પોર જી.આઈ.ડી.સી. સ્થિત આ ઉત્પાદન મથકે તપાસ હાથ ધરી હતી. રવિવારના સરકારી રજાના દિવસનો લાભ ઉઠાવીને પેઢીના જવાબદારો દ્વારા મોટા પાયે શંકાસ્પદ ઘી પ્રોસેસ કરી, પેકિંગ કરી દિવાળીના તહેવારો નિમિત્તે માર્કેટમાં વહેંચી દેવાનો ગર્ભિત ઇરાદો હતો, જેને તંત્રની સતર્કતાએ નિષ્ફળ બનાવ્યો છે.
તપાસની વિગતો આપતા અંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીશ્રીએ જણાવ્યું કે, પેઢીના જવાબદાર મહેશભાઈ કાન્તિભાઈ ઠેસિયાની પ્રત્યક્ષ હાજરીમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. આ દરમિયાન સ્ટોરેજ ટેન્કમાં રાખેલો અને પેકિંગ થવાની તૈયારીમાં જ હતો તેવો ૫,૨૦૦ લીટર/કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. ૨૬ લાખ) શંકાસ્પદ ઘીનો જથ્થો પ્રાથમિક દ્રષ્ટિએ શુદ્ધ ન જણાઈ આવતા તેને તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, તહેવારોના દિવસોમાં અલગ-અલગ બ્રાન્ડ નેમ હેઠળ માર્કેટમાં સપ્લાય કરવા માટે પહેલેથી જ તૈયાર કરી રાખેલો વિવિધ સાઈઝના પેકિંગવાળો અન્ય ૨,૯૩૬ કિલોગ્રામ (અંદાજિત કિંમત રૂ. ૧૬ લાખ) ઘીનો જથ્થો પણ સ્થળ પર જ સ્થગિત કરી દેવાયો છે.
તંત્ર દ્વારા આ શંકાસ્પદ જથ્થામાંથી નિયમાનુસાર અલગ-અલગ કુલ ચાર નમૂનાઓ મેળવીને તેને તાત્કાલિક ધોરણે રાજ્ય સરકારની પ્રમાણિત ફૂડ લેબોરેટરીમાં પૃથક્કરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ કાયદા મુજબની કડક વહીવટી અને ફોજદારી કાર્યવાહી આગળ ધપાવવામાં આવશે. ત્યાં સુધી ફેક્ટરીમાં ઉપલબ્ધ તમામ ૮,૧૩૬ કિલોગ્રામ જથ્થાને તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યો છે.
પ્રવર્તમાન તહેવારોની સીઝનમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરનારા આવા તત્વો સામે તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની ઝુંબેશ સઘન રીતે ચાલુ રાખવામાં આવશે તેવી કડક ચેતવણી આપવામાં આવી છે.


