બીલ-ચાપડ મુખ્ય માર્ગ પર ખોદકામ બાદ મસમોટો ભુવો પડ્યો, પાલિકાની કામગીરી પર સવાલ ઉઠ્યાં

વડોદરામાં વિકાસના દાવા વચ્ચે રસ્તાની ખરાબ હાલત સામે આવી

MailVadodara.com - Massive-landslide-occurred-on-Beel-Chapad-main-road-after-excavation-questions-raised-on-the-performance-of-the-municipality

- સ્થાનિકોની તાત્કાલિક સમારકામ અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે શહેરના રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ ફરી એકવાર સામે આવી છે. બીલથી ચાપડને જોડતા ધમધમતા મુખ્ય માર્ગ પર પાલિકાના કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે મસમોટો ભુવો પડતા વાહનચાલકો અને સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

મળતી માહિતી મુજબ, વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ગેસ પાઇપલાઇન નાખવાની કામગીરી દરમિયાન કોઈપણ યોગ્ય આયોજન કે ટેકનિકલ દેખરેખ વગર ખોદકામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા ભારે પાણીનો પ્રવાહ રસ્તા પર ફરી વળ્યો હતો અને જોતજોતામાં રોડ પર મોટો ભુવો પડી ગયો હતો.


પાણી સાથે કાદવ અને કીચડ રસ્તા પર ફેલાઈ જતા અનેક દ્વિચક્રી વાહનચાલકો સ્લિપ થઈ પટકાયા હોવાની માહિતી સામે આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ખોદકામ દરમિયાન કોન્ટ્રાક્ટર પાસે કોઈ સ્પષ્ટ નકશો કે ટેકનિકલ દસ્તાવેજો પણ ન હતા.

સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો કે જ્યારે જાગૃત નાગરિકોએ કોન્ટ્રાક્ટરને પૂછપરછ કરી ત્યારે તેણે સમસ્યાનો ઉકેલ લાવવાને બદલે સ્થળ છોડીને નાસી છૂટ્યો હતો. ઘટનાને પગલે બીલ-ચાપડ વિસ્તારના રહીશોમાં ભારે રોષ ફેલાયો હતો.


સ્થાનિકોનું કહેવું છે કે શહેરમાં અત્ર તત્ર સર્વત્ર માત્ર ખાડા જ જેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે. પાલિકાના નબળા સુપરવિઝન અને બેદરકાર કામગીરીના કારણે સામાન્ય જનતા પરેશાન બની રહી છે.


લોકોએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી દરમિયાન વિકાસના મોટા દાવા કરનાર જનપ્રતિનિધિઓ સમસ્યા સર્જાયા બાદ સ્થળ પર જોવા પણ આવ્યા નથી. શહેરના અનેક વિસ્તારોમાં ખોદકામ બાદ રસ્તાઓની યોગ્ય મરામત કરવામાં આવતી ન હોવાની ફરિયાદ પણ સ્થાનિકોએ ઉઠાવી હતી. બીલ-ચાપડને જોડતો આ મુખ્ય માર્ગ હાલ વાહનચાલકો માટે જોખમી બન્યો છે. સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે ભુવાનું સમારકામ કરવા તેમજ બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

Share :

Leave a Comments