- ગોડાઉનમાં સંગ્રહિત વેસ્ટ બળીને ખાખ થયું, મુખ્ય પ્લાન્ટ સુધી આગ ન પહોંચતા મોટું નુકસાન ટળ્યું
- શોર્ટ સર્કિટ કે અન્ય કારણ અંગે તપાસ બાકી, કર્મચારીઓ બહાર દોડી આવ્યા
વડોદરા નજીક આવેલા નંદેસરી ઔદ્યોગિક વિસ્તારમાં સ્થિત શબરી એન્જિનિયરિંગ કંપનીમાં આજે વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીમાં એકત્રિત કરાયેલા પ્લાસ્ટિક વેસ્ટના જથ્થામાં આગ ભભૂકી ઊઠતા ધુમાડાના કાળા ડિબાંગ ગોટેગોટા આકાશમાં જોવા મળ્યા હતા. જોકે, આગ મુખ્ય પ્લાન્ટ સુધી ન પહોંચતા માત્ર વેસ્ટ મટિરિયલ પૂરતી સીમિત રહેવાના કારણે સદનસીબે એક મોટું નુકસાન ટળી ગયું હતું.
કંપની પરિસરમાં આવેલા ગોડાઉનમાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક વેસ્ટનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. આગ એટલી ઝડપથી પ્રસરી હતી કે જોતજોતામાં ગોડાઉનમાં રહેલી તમામ પ્લાસ્ટિક વેસ્ટ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.
આગની જાણ થતાં જ નંદેસરી ફાયર બ્રિગેડ તેમજ નજીકની ખાનગી કંપનીઓની ફાયર ફાઇટર ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ટીમોએ સંયુક્ત કામગીરી કરી ભારે જહેમત બાદ ગણતરીની મિનિટોમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. સમયસર આગ કાબૂમાં આવી જતાં સ્થિતિ થાળે પડી હતી, જ્યારે આગ શોર્ટ સર્કિટથી લાગી કે અન્ય કોઈ કારણસર તે અંગેનું ચોક્કસ કારણ હજુ અકબંધ રહ્યું છે.


