- પેલેટ મટિરિયલમાં લાગેલી આગ પવનના કારણે વિકરાળ બની હતી, ચાર ફાયર સ્ટેશનની ટીમને છ કલાકની ભારે મહેનત અને જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી
વડોદરા નજીક દશરથ ભરત એસ્ટેટમાં એક ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. આગ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ માટે વપરાતા લાકડાના પેલેટના મટિરિયલમાં લાગી હતી. અચાનક આગ લાગતાં સ્થળ પર અફરાતફરી મચી ગઈ હતી. આ લાકડાના વેરહાઉસમાં ખુલ્લામાં રો મટિરિયલ સંગ્રહિત હતું. જ્યારે પવનની ગતિ હોવાના કારણે આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં વડોદરા ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસ વિભાગને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી. ટીપી-13, પાણીગેટ, વાડીવાડી અને ERC સહિત વડોદરાના ચાર ફાયર સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમોએ સતત 6 કલાક સુધી કામગીરી કરીને આગને કાબૂમાં લાવી હતી. છ કલાકની ભારે મહેનત અને જહેમત પછી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી.
આગની ઘટના સમયે સ્થળ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ 112 ઇમર્જન્સી ટીમો પણ પહોંચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે આસપાસના વિસ્તારના લોકો પણ દોડી આવ્યા હતા. પ્રાથમિક અંદાજ મુજબ આગમાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ અંગે ગોડાઉન માલિક ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે, અહીંયા મજૂરો કામ કરતા હતા ત્યારે અચાનક આગ લાગી હતી. કઈ રીતે આગ લાગી તે ખબર નથી. તેઓએ જ ફાયરને જાણ કરી હતી. પવન વધુ હોવાથી આગ વિકરાળ બની હતી. કોલ આપ્યાના પોણા કલાકે ફાયર પહોંચી હતી અને બાદમાં અન્ય ગાડી 20 મિનિટે આવી હતી. જો ફાયરની ટીમો વહેલી આવી હોત તો આગ ઝડપથી કંટ્રોલમાં આવી હોત.


