- પેટ્રોલિયમ ટેન્કર અન્ય વાહનોમાં ધડાકાભેર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો
- અકસ્માત એટલો તીવ્ર હતો કે ટેન્કરનું આગળનું ટાયર નીકળી ગયું હતું, સદનસીબે કોઇ જાનહાનિ નહીં
અમદાવાદથી વડોદરા તરફ જતા અમદાવાદ-મુંબઈ એક્સપ્રેસ હાઈવેના વડોદરા ટોલનાકા પાસે ગત મોડી રાત્રે ભયાનક અકસ્માત સર્જાયો હતો. હાઈવે ઓથોરિટી તરફથી કામ કરી રહેલી IRB કંપનીના હાઈવે રોલર, ટ્રેક્ટર અને પેટ્રોલિયમ ટેન્કર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયાનક થતાં અકસ્માત થયો હતો.

પેટ્રોલિયમ ટેન્કર અન્ય વાહનોમાં ધડાકાભેર ઘૂસી જતાં ભારે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો તીવ્ર હતો કે ટેન્કરનું આગળનું ટાયર નીકળી ગયું હતું. સાથે રોલર પણ પલટી મારે તેવી સ્થિતિમાં આવી ગયું હતું. સદનસીબે આ અકસ્માતની ઘટનામાં મોટી જાનહાનિ ટળી છે.

આ અકસ્માતને કારણે એક્સપ્રેસવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. અંદાજિત 2 કિલોમીટરથી વધુ લાંબી વાહનોની કતારો જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં NHAIની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને ટ્રાફિક સરળ બનાવવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે જાણ થતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને હટાવી ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે.



