ભાયલીમાં વોટ્સએપ ગ્રૂપ મારફતે શેરબજારમાં રોકાણ કરાવી મેનેજર સાથે રૂપિયા 15.82 લાખની છેતરપિંડી

SEBI રજિસ્ટ્રેશનના દાવા સાથે નકલી એપથી વિશ્વાસ જીત્યો

MailVadodara.com - Manager-in-Bhayli-defrauded-of-Rs-15-82-lakh-after-being-induced-to-invest-in-the-stock-market-via-a-WhatsApp-group

- DELTA GROWTH COMMUNITY28 ગ્રૂપમાં જોડીને નકલી ટ્રેડિંગ એપથી વિશ્વાસ જીત્યો

- એપમાં 40.59 લાખ દેખાડ્યા, ઉપાડવા જતાં રોક લગાવી, સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ

શેરબજારમાં રોકાણ કરીને રોજેરોજ નફો કમાવવાની લાલચમાં હવે નોકરીયાત લોકો પણ સાયબર ઠગોના નિશાન બની રહ્યા છે. ત્યારે વડોદરાના ભાયલી વિસ્તારમાં રહેતા અને ગોરવા સ્થિત કંપનીમાં મેનેજરને વોટ્સએપ પર શેરબજારમાં રોકાણની ટિપ્સ આપતા DELTA GROWTH COMMUNITY28 નામના ગ્રૂપમાં જોડીને રૂ.20.60 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ઠગોએ SEBIમાં રજિસ્ટર્ડ હોવાનો દાવો કરી સર્ટિફિકેટ મોકલ્યું હતું અને નકલી ટ્રેડિંગ એપ્લિકેશન મારફતે રોકાણ પર નફો થતો હોવાનું બતાવી મેનેજરનો વિશ્વાસ જીત્યો હતો અને ત્યારબાદ તેમની પાસેથી રૂપિયા પડાવી લીધા હતા જે રકમ પરત નહીં મળતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમા ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં રહેતા અને ગોરવા સ્થિત કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા 39 વર્ષીય સતીષકુમાર સિંઘે નોધાવેલી ફરિયાદ મુજબ તા.1 સપ્ટેમ્બર 2026ના રોજ સતીષકુમારને વોટ્સએપ પર આ ગ્રૂપની લિંક મળી હતી. ત્યારબાદ ગ્રૂપની એડમિન તરીકે ઓળખ આપનાર અનન્યા માડા દેશમુખે શેરબજારમાં રોકાણ કરવાથી સારો નફો મળવાની ખાતરી આપી હતી. આરોપીઓએ delta-techinvest.com વેબસાઇટ અને DLETAaialGo નામની એપ્લિકેશન મારફતે રજિસ્ટ્રેશન કરાવી રોકાણ કરવાની પ્રક્રિયા સમજાવી હતી. શરૂઆતમાં રૂ.50 હજારનું રોકાણ કરાવ્યા બાદ એપમાં દરરોજ રૂ.1,200નો નફો થતો હોવાનું બતાવવામાં આવતું હતું.

આરોપીઓએ પોતાની કંપની ચંદીગઢમાં આવેલી હોવાનું અને SEBIમાં રજિસ્ટર્ડ હોવાનું જણાવી રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ પણ મોકલ્યું હતું. આથી મેનેજર વિશ્વાસઘાત આવી ગયા હતા. ત્યારબાદ અલગ-અલગ સમયે વિવિધ બેંક ખાતાઓમાં રૂ.20.60 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. શરૂઆતમાં મેનેજરની પત્નીના કેનેરા બેંક ખાતામાં રૂ.4.78 લાખ પરત મળતાં તેમનો વિશ્વાસ વધુ મજબૂત થયો હતો. જોકે, બાદમાં રોકાણની રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં પૈસા મળ્યા નહોતા. આરોપીઓએ માત્ર સવારે 9થી બપોરે 3.30 વાગ્યા સુધી જ રૂપિયા ઉપાડી શકાતા હોવાનું બહાનું બતાવ્યુ હતું. ત્યારબાદ રોકાણ પર IPO લાગ્યો હોવાનું જણાવી રકમ બ્લોક કરી દીધી હતી અને પૈસા ઉપાડવા માટે વધુ રકમ જમા કરાવવાની માંગણી શરૂ કરી હતી. એપ્લિકેશનમાં રૂ.20.60 લાખના રોકાણ સામે નફા સહિત રૂ.40.59 લાખની રકમ દેખાડવામાં આવતી હતી પરંતુ વાસ્તવિક રકમ ઉપાડવા દેવામાં આવતી નહોતી.

આખરે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતાં સતીષકુમારે સાયબર ક્રાઇમ હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ રૂ.4.78 લાખ પરત આપ્યા બાદ બાકીના રૂ.15.82 લાખ પરત નહીં આપી ઓનલાઇન છેતરપિંડી કરી હતી. સાયબર પોલીસે બેંક ખાતાધારકો અને અન્ય સંડોવાયેલા લોકો સામે તપાસ શરૂ કરી છે.

Share :

Leave a Comments