મેકઅપના બહાને બ્યુટી પાર્લરમાં ઘૂસી સંચાલિકાનું મંગળસૂત્ર અને રોકડ ચોરી ત્રણ ઠગ મહિલાઓ ફરાર

ગેંડીગેટ વિસ્તારમાં ધોળા દિવસે નવ્યા બ્યુટી પાર્લરમાં અંધશ્રદ્ધાનો ઉપયોગ કરી છેતરપિંડી

MailVadodara.com - Man-enters-beauty-parlor-under-pretext-of-makeup-steals-managers-mangalsutra-and-cash

- સીસીટીવી કેમેરાના આધારે પોલીસે ઠગ ટોળકીની શોધખોળ શરૂ કરી

વડોદરા શહેરના વ્યસ્ત ગણાતા ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધા અને સંમોહનનો લાભ લઈને ધોળા દિવસે લૂંટ આચરવામાં આવી હોવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક બ્યુટી પાર્લરની મહિલા સંચાલિકાને ત્રણ અજાણી મહિલાઓએ જોગણી માતાના આશીર્વાદ આપવાના અને નાગ-નાગિનનો દોષ નિવારવાના બહાને પોતાની વાતોની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ મહિલા પર સંમોહન જેવી અસર કરીને તેની પાસેથી સોનાનું કિંમતી મંગળસૂત્ર અને ગલ્લામાં રહેલી રોકડ રકમ પડાવીને આ ઠગ ટોળકી પલાયન થઈ ગઈ છે. આ ચકચારી ઘટનાને પગલે સ્થાનિક વેપારી આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.


બનાવની વિગત એવી છે કે, ગેંડીગેટ વિસ્તારમાં આવેલા નવ્યા બ્યુટી પાર્લરના સંચાલિકા હેતલબેન હિતેશભાઈ દરરોજની જેમ પોતાના પાર્લર પર હાજર હતા. તે સમયે ગ્રાહકના વેશમાં ત્રણ અજાણી મહિલાઓ પાર્લરમાં આવી પહોંચી હતી. શરૂઆતમાં આ ત્રણેય મહિલાઓએ મેકઅપ, હેરસ્ટાઈલ અને અન્ય બ્યુટી સર્વિસના ભાવો તેમજ વિવિધ પેકેજ અંગે ખૂબ જ સામાન્ય રીતે વાતચીત કરી હતી. આ મીઠી-મીઠી વાતો દ્વારા તેમણે પાર્લરના સંચાલિકાનો સંપૂર્ણ વિશ્વાસ જીતી લીધો હતો.

વિશ્વાસ કેળવ્યા બાદ તેમાંથી મુખ્ય મહિલાએ અચાનક ધાર્મિક વાતો શરૂ કરી હતી અને પોતાને જોગણી માતાનો સદ (ધૂણવું) આવતો હોવાનો સ્વાંગ રચ્યો હતો. તેણીએ હેતલબેનને ડરાવતા અને લલચાવતા કહ્યું કે, તમારા પાર્લર પર માતાજીના અસીમ આશીર્વાદ છે પરંતુ, સાથે-સાથે તમારા પર મોટો નાગ-નાગિનનો દોષ નડી રહ્યો છે, જેના કારણે તમારી આર્થિક પ્રગતિ અટકી શકે છે. આ કથિત દોષ અને નડતરને તાત્કાલિક દૂર કરવા માટે એક વિશેષ પૂજા-વિધિ કરવી પડશે તેમ કહીને સોનાની વસ્તુ અને રોકડ રકમની માંગણી કરી હતી.

ભોગ બનનાર સંચાલિકા હેતલબેનના જણાવ્યા અનુસાર, તે મહિલાઓની વાતો અને આંખોની સંમોહન જેવી અસરમાં એટલી હદે આવી ગયા હતા કે તેઓ સારાસારનો વિવેક ભૂલી ગયા હતા. તેમણે તાત્કાલિક પોતાના ગળામાંથી અંદાજે દોઢથી બે તોલાનું સોનાનું મંગળસૂત્ર ઉતારી દીધું હતું અને ગલ્લામાં રહેલી આશરે 3500થી 4000ની રોકડ રકમ પણ તે મહિલાઓના હાથમાં સોંપી દીધી હતી. દાગીના અને રોકડ હાથમાં આવતાની સાથે જ પૂજાના બહાને ત્રણેય મહિલાઓ ત્યાંથી રફુચક્કર થઈ ગઈ હતી.

મહિલાઓના ગયા બાદ થોડીવારે જ્યારે હેતલબેન આ માયાવી જાળમાંથી બહાર આવ્યા અને ભાનમાં આવ્યા, ત્યારે તેમને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. આસપાસ તપાસ કરવા છતાં મહિલાઓ ક્યાંય મળી ન આવતા આખરે તેમણે તાત્કાલિક સ્થાનિક પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. ભોગ બનનારના જણાવ્યા મુજબ, મુખ્ય આરોપી મહિલાએ લીલા રંગની સાડી પહેરી હતી, જ્યારે તેની સાથે આવેલી અન્ય બે મહિલાઓ અનુક્રમે મરૂન અને રામા કલરની સાડીમાં સજ્જ હતી. પોલીસે આ મામલે કાયદેસરનો ગુનો નોંધી, બ્યુટી પાર્લરની અંદર તેમજ ગેંડીગેટ રોડની આસપાસની દુકાનોના CCTV કેમેરાના ફૂટેજ મેળવીને આ સાડીવાળી ઠગ ત્રિપુટીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Share :

Leave a Comments