- દુકાનના કાઉન્ટર પરથી પોલીસને ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ તથા રોલિંગ પેપરના 8 નંગ મળી આવ્યા હતા
- જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી
વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં આવેલા ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસેની 'જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક' નામની પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસે રોલિંગ પેપર તેમજ ગોગો કોન (પ્રિ-રોલ્ડ સ્મોકિંગ કોન) જેવા પ્રતિબંધિત સ્મોકિંગ સામગ્રીનું વેચાણ કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો.
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ગધેડા માર્કેટ વિસ્તારમાં પહોંચી ત્યારે બાતમી મળી હતી કે, આ દુકાનમાં ગોગો રોલિંગ પેપર અને સંબંધિત પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ થઈ રહ્યું છે. આ બાતમીના આધારે વારસિયા પોલીસે દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન દુકાનદાર ધર્મેશ જગદીશ રાજપૂત (ઉંમર 26, રહે સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો. દુકાનના કાઉન્ટર પરથી પોલીસને ગોગો કોન અને પ્રિ-રોલ સ્ટિકના 8 નંગ તથા રોલિંગ પેપરના 8 નંગ મળી આવ્યા હતા.
ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા જારી કરાયેલા જાહેરનામા મુજબ રોલિંગ પેપર અને ગોગો કોન જેવી સ્મોકિંગ સામગ્રીના સંગ્રહ, વેચાણ તેમજ વિતરણ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. આ પ્રતિબંધનો ભંગ કરવા બદલ વારસિયા પોલીસે ધર્મેશ રાજપૂત સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.


