- આરોપી રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઇ ભાટીયા ડાકોરથી ચોરેલી બાઇક સાથે પકડાયો
- વડોદરા ઉપરાંત ખંભોળજ,આણંદ, ડાકોર સહિતના સ્થળોએથી વાહનો ઉઠાવ્યા હતા
શહેરના હાઇવેની આસપાસ વાહનો પાર્ક કરી જતા નોકરીયાતોના ટુ વ્હીલરો ચોરી કરતા રીઢા વાહન ચોરને સમા પોલીસે ઝડપી પાડી ૧૦ ટુવ્હીલર કબજે કર્યા હતા.

સમા કેનાલ પાસે શ્યામ વિહાર ફ્લેટ્સ પાસે એક શખ્સ બાઇક વેચવા કે ગીરવી મુકવા માટે ફરી રહ્યો હોવાની માહિતી મળતાં પીઆઇ બીબી કોડિયાતરે ટીમ મારફતે વોચ રખાવી હતી.જે દરમિયાન બાઇક સાથે રમેશ ઉર્ફે ગણપત ઉર્ફે લાલો કાંતિભાઇ ભાટીયા (રહે. બહિધારા, નટવરનગર, સાવલી, હાલ રહે. ખંભોળજ, આણંદ) ડાકોરમાંથી ચોરેલી બાઇક સાથે પકડાઇ ગયો હતો.
પોલીસે તેની પૂછપરછ કરતાં દુમાડ ચોકડી, સમા તળાવ, કમાટીબાગ, આજવા રોડ, એપીએમસી, ગોત્રી ઇસ્કોન મંદિર, સુરસાગર અને ગોત્રી સહિતા વિસ્તારોમાંથી ટુવ્હીલર ચોર્યા હોવાની વિગતો ખૂલી હતી.આ પૈકી મોટાભાગના વાહનો નોકરીયાતોના પાર્ક કરેલા હતા. આ ઉપરાંત તેણે આણંદ, ડાકોર અને ખંભોળજ ખાતેથી પણ વાહનોની ઉઠાંતરી કરી હોવાની વિગતો ખૂલી હતી.


