- SOG પોલીસે વાડામાં તપાસ કરતાં 12 લીલા ગાંજાના છોડ અને મકાનમાંથી ગાંજાના સૂકા પાંદડાનો ભૂકો તથા બીજ મળ્યાં, 2.61 લાખની કિંમતનો 26.145 કિલો ગાંજો જપ્ત કર્યો
વડોદરા ગ્રામ્ય SOG પોલીસની ટીમે ઓપરેશન પરાક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાના શિનોરમાં ગેરકાયદેસર ગાંજાના વાવેતર અને માદક પદાર્થના વેચાણની પ્રવૃત્તિનો પર્દાફાશ કરી એક આરોપીને ઝડપી પાડ્યો છે અને આ મામલે પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.

ગ્રામ્ય SOG પીઆઈ જે.એમ.ચાવડાની સૂચનાથી SOGના સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન શિનોર વિસ્તારમાં ચોક્કસ બાતમીના આધારે રેડ હાથ ધરી હતી. SOGને બાતમી મળી હતી કે, રમણ મોતીભાઇ પાટણવાડીયા (રહે. મીંઢોળ, પાટણવાડીયા ફળીયું, શિનોર, જિ.વડોદરા) પોતાના વાડામાં ગાંજાના છોડનું વાવેતર કરી તેનું વેચાણ અને સેવન કરે છે.
SOG પોલીસની ટીમે તેના વાડામાં તપાસ કરતાં 12 લીલા ગાંજાના છોડ અને રહેણાંક મકાનમાંથી ગાંજાના સૂકા પાંદડાનો ભૂકો તથા બીજ મળી આવ્યા હતા. 2.61 લાખ રૂપિયાની કિંમતનો 26 કિલો 145 ગ્રામ ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે. આરોપી રમણ મોતીભાઇ પાટણવાડીયા વિરુદ્ધ શિનોર પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટની કલમ 8(C), 20(B)(2)(C), અને 29 હેઠળ ગુનો નોંધાયો છે, વધુ તપાસ ચાણોદ પોલીસ સ્ટેશનના પીઆઇ દ્વારા હાથ ધરાઇ છે.


