- ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું, તમામ મેસમાં નાનું-મોટું સમારકામ કરાવાયું છે અને સ્વચ્છતા રહે તે બાબતનું ધ્યાન રખાયું છે, દસ દિવસમાં તમામ નવી મેસ અને કેન્ટીન ચાલુ થઈ જશે!
વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલની મેસમાં તા.૯ જુલાઈના રોજ ફૂડ પોઈઝનિંગની ઘટનામાં ૧૨૫થી વધારે વિદ્યાર્થિનીઓ બીમાર પડયા બાદ હવે હોસ્ટેલ સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલના ચાર હોલમાં ચાર અને બોયઝ હોસ્ટેલમાં બે એમ ૬ નવી મેસ શરુ કરવાનો નિર્ણય કર્યો છે.
ફૂડ પોઈઝનિંગની ઘટના બની તે પહેલા યુનિવર્સિટી સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલમાં ચાર હોલ વચ્ચે એક જ મેસ ચલાવવા માટે કોન્ટ્રાકટ આપ્યો હતો. જેના કારણે મેસ કોન્ટ્રાકટરની ઈજારાશાહી સ્થપાઈ ગઈ હતી.વિદ્યાર્થિનીઓ પાસે બહાર જમવા સિવાય અથવા તો એક જ મેસમાં જમવા સિવાય બીજો વિકલ્પ નહોતો. જ્યારે બોયઝ હોસ્ટેલમાં ૧૨ હોલ વચ્ચે બે જ મેસ કાર્યરત હતી.
જોકે હવે સત્તાધીશોએ ગર્લ્સ હોસ્ટેલમાં ચાર તેમજ બોયઝ હોસ્ટેલમાં બે નવી મેસ શરુ કરવા માટે કોન્ટ્રાકટ આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. બોયઝ હોસ્ટેલમાં જે એમ હોલ અને એસપી હોલમાં બે મેસ ચાલે છે. નવી બે મેસ કે.એમ. હોલ અને ટી.કે.જી. હોલમાં શરુ કરાશે.સાથે સાથે બોયઝ હોસ્ટેલમાં એક વર્ષ કરતા વધારે સમયથી બંધ પડેલી સેન્ટ્રલ કેન્ટીન માટે પણ કોન્ટ્રાકટ અપાયો હોવાથી આ કેન્ટીન પણ શરુ થશે.
જોકે અત્યારે પણ ગર્લ્સ હોસ્ટેલમાં એક પણ મેસ કાર્યરત નથી અને વિદ્યાર્થિનીઓની મુશ્કેલીઓ યથાવત છે. આ અંગે ચીફ વોર્ડન વિજય પરમારે કહ્યું હતું કે, તમામ મેસમાં નાનું મોટુ સમારકામ કરાવવામાં આવ્યું છે અને સ્વચ્છતા રહે તે બાબતનું ધ્યાન રખાયું છે. દસ દિવસમાં તમામ નવી મેસ અને કેન્ટીન ચાલુ થઈ જશે.


