- સૌથી વધુ મિકેનિકલ શાખાના 106 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું, આ વર્ષે સરેરાશ પેકેજ 4.5 લાખ રૂપિયા રહ્યું, કમ્પ્યુટર સાયન્સમાં સૌથી ઊંચું 13.4 લાખનું પેકેજ મળ્યું
વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ફરી એકવાર પોતાની પ્રતિભા સાબિત કરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે ચાલી રહેલી પ્લેસમેન્ટ પ્રક્રિયામાં વિદ્યાર્થીઓને અધધ પેકેજ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 112 જેટલી નામી કંપનીઓએ મુલાકાત લઈને 362 વિદ્યાર્થીઓને જોબ ઓફર આપી છે.
આ વર્ષે પ્લેસમેન્ટમાં કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ શાખાએ બાજી મારી છે. સૌથી વધુ પેકેજ 13.4 લાખ રૂપિયા (વાર્ષિક) છે. આ વર્ષે સરેરાશ પેકેજ 4.5 લાખ રૂપિયા રહ્યું છે. 558 વિદ્યાર્થીઓએ પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જેમાં એપ્રિલ, 2026 સુધીમાં 362 વિદ્યાર્થીઓની પસંદગી થઈ ચૂકી છે.
શાખાવાર આંકડા જોઈએ તો મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓની સૌથી વધુ માંગ જોવા મળી છે. સૌથી વધુ 106 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ મળ્યું છે. અન્ય શાખાઓ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર સાયન્સમાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સારી કંપનીઓમાં સ્થાન મળ્યું છે.
યુનિવર્સિટીના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, હાલમાં નોકરી બજાર (Job Market) પડકારજનક હોવા છતાં MSUના વિદ્યાર્થીઓ માટે સ્થિતિ આશાસ્પદ છે. અત્યાર સુધીનું પ્લેસમેન્ટ જોતા અપેક્ષા છે કે, આ વર્ષે પ્લેસમેન્ટનો આંકડો 80 ટકા સુધી પહોંચશે. જે ગત વર્ષની સરખામણીએ લગભગ 10 ટકા જેટલો વધારો દર્શાવે છે.


