મ.સ.યુનિ. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પણ મેસની વાર્ષિક ફી ફરજિયાત કરવાની હિલચાલ!?

ગત વર્ષે તત્કાલિન વાઈસ ચાન્સલેરે મેસ ફી પેટે વાર્ષિક 25 હજાર લેવાનો આદેશ કર્યો હતો!

MailVadodara.com - MS-Uni-Movement-to-make-annual-mess-fee-mandatory-for-students-living-in-hostels-this-year-too

- વિદ્યાર્થીઓમાં ચર્ચાતી વિગતો પ્રમાણે હોસ્ટેલના ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ તેમજ વોર્ડનોની બેઠકમાં આ મુદ્દે ચર્ચા કરાઇ હતી, જોકે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ નકારાત્મક અભિપ્રાય આપી વિરોધ કર્યો હતો

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ માટે ગત વર્ષની જેમ આ વર્ષે પણ મેસની વાર્ષિક ફી ફરજિયાત કરવાની હિલચાલ શરુ થઈ છે. વિદ્યાર્થી આલમમાં ચર્ચાતી વિગતો પ્રમાણે હોસ્ટેલના ચૂંટાયેલા વિદ્યાર્થી પ્રતિનિધિઓ તેમજ વોર્ડનોની બેઠકમાં આ મુદ્દાની તાજેતરમાં ચર્ચા કરવામાં આવી હતી. જોકે વિદ્યાર્થી પ્રતિનિધિઓએ નકારાત્મક અભિપ્રાય આપીને વાર્ષિક મેસ ફી ઉઘરાવવાનો વિરોધ કર્યો હતો.

હોસ્ટેલમાં અત્યારની વ્યવસ્થા પ્રમાણે વિદ્યાર્થી મેસમાં જમવા જાય ત્યારે તેણે જે ભાવ હોય તે ચૂકવવાનો હોય છે.વિદ્યાર્થી રોજ રોજ પૈસા આપીને જમી શકે છે. ગત વર્ષે તત્કાલિન વાઈસ ચાન્સલેર ડો.વિજય શ્રીવાસ્તવે મેસ ફી પેટે વાર્ષિક ૨૫૦૦૦ રુપિયા વિદ્યાર્થીઓ પાસે લેવાનો આદેશ કર્યો હતો. જેના વિરોધમાં વિદ્યાર્થીઓએ આંદોલન કર્યું હતું અને કેટલાક વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના નિવાસ સ્થાનમાં પણ ઘૂસી ગયા હતા.એ પછી આ આદેશ રદ કરવામાં આવ્યો હતો.

વિદ્યાર્થીઓની દલીલ છે કે, હવે વ્યાપક બનેલા પીજી કલ્ચરના કારણે પૈસાપાત્ર વિદ્યાર્થીઓ તો પીજી (પેઈંગ ગેસ્ટ) તરીકે જ રહે છે. હોસ્ટેલમાં રહેતા મોટાભાગના વિદ્યાર્થીઓ આર્થિક રીતે સંપન્ન પરિવારના નથી હોતા અને તેમને વાર્ષિક મેસ ફી ભરવાનું પોસાય તેમ નથી હોતું.

આ દરમિયાન ચીફ વોર્ડને કહ્યું હતું કે, વાર્ષિક મેસ ફી લેવાનો કોઈ પ્રસ્તાવ મૂકાયો નથી.વિદ્યાર્થી પ્રતિનિધિઓ સાથેની બેઠકમાં હોસ્ટેલની સમસ્યાઓના ઉકેલ માટે સૂચનો લેવામાં આવ્યા હતા. હોસ્ટેલમાં બ્યુટિફિકેશનથી માંડીને બીજા સુધારા કરવામાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારવા પર વિચારણા થઈ રહી છે. વાર્ષિક મેસ ફીનો મુદ્દો બેઠકમાં પણ ચર્ચાયો નથી.

Share :

Leave a Comments