પદમલા નજીક એનએચ-48 પર બ્રિજ કાર્પેટિંગના કામથી ટ્રાફિક ડાઇવર્ટ થતા વાહનોની લાંબી કતારો

અમદાવાદથી વડોદરા તરફ આવતા સર્વિસ રોડ પર વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો

MailVadodara.com - Long-queues-of-vehicles-as-traffic-is-diverted-due-to-bridge-carpeting-work-on-NH-48-near-Padmala

- ગરમીમાં વાહનચાલકો પરેશાન, 2 કિમીનું અંતર કાપતા અડધાથી વધુ સમય થઈ રહ્યો છે


અમદાવાદ-વડોદરાને જોડતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર પદમલા નજીક ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. અંદાજે બે કિમી લાંબી વાહનોની કતાર લાગી છે. અમદાવાદ તરફથી વડોદરા તરફ આવવાના સર્વિસ રોડ ઉપર વાહનચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.


પદમલા નજીક નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બ્રિજ ઉપર કાર્પેટિંગનું કામ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વાહન-વ્યવહારને સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ કરી દેવામાં આવ્યો છે, જેના પગલે સર્વિસ રોડ ઉપર ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. હાઈવે ઓથોરિટી દ્વારા વાસદથી આ કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે ધીમે ધીમે વડોદરા તરફ આગળ ધપી રહી છે.

ટ્રાફિકજામની સ્થિતિના કારણે સર્વિસ રોડ ઉપર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે. ભારે વાહનો પણ સર્વિસ રોડ ઉપર ડાઇવર્ટ થતા 2 કિમીની અંતર કાપતા અડધાથી પોણા કલાકનો સમય થઈ રહ્યો છે. નાના વાહનોએ પણ હાલાકી વેઠવી પડી રહી છે.


સર્વિસ રોડ ઉપર જંક્શન હોવાના કારણે ટ્રાફિકજામની સ્થિતિ વધુ વણસી છે. એક તરફ રણોલી રેલવે સ્ટેશન તરફ જવાનો માર્ગ છે, બીજી તરફ સાંકરદા તરફ જવાનો માર્ગ છે, જેથી ઉધોગોમાં જતા વાહનો પણ અહીંથી પસાર થાય છે, જેના કારણે ટ્રાફિક વધ્યો છે.

સૂર્ય જેમ-જેમ ઉપર ચઢતો કે છે તેમ-તેમ ગરમીનો પારો વધી રહ્યો છે અને ગરમીમાં ટ્રાફિકજામના કારણે વાહનચાલકોની હાલત કફોડી બની રહી છે. જો કે સાંજ સુધીમાં આ બ્રિજ ઉપરનું કાર્પેટિંગ કામ પૂર્ણ થઈ જવાની શક્યતા છે. જો કે બપોરે વાહનોની આવનજાવન ઘટે તો ટ્રાફિકમાંથી રાહત મળવાની શક્યતા છે.

Share :

Leave a Comments