- પરીક્ષા કેન્દ્રમાં કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.15/06/2028 ના રોજ વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્ર ઉપર લેવામાં આવનાર છે. આ પરીક્ષા દરમિયાન કોઇ ગેરરીતિઓ ન થાય, પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી પરીક્ષા આપી શકે, તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી સુનિશ્ચિત કરવા જાહેર શાંતિ અને સલામતી જળવાય રહે તે માટે તેમજ મુકત, ન્યાયી અને સરળ સંચાલન માટે અને પરીક્ષામાં ગેરરીતિઓ અટકાવવા વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.
વડોદરા શહેરના 117 પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા યોજાનાર છે. જેથી, આ પરીક્ષા કેન્દ્રના પરીક્ષા ખંડની અંદર તા.15/06/2025ના રોજ સવારના 7 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રની અંદર કોઈપણ વ્યક્તિએ સેલ્યુલર ફોન, હેન્ડસેટ, વોકીટોકી, કોર્ડલેસ ફોન, મોબાઈલ ફોન, સ્માર્ટવોચ, બ્લુટુથ, કેમેરા, વાયરલેસ સાહિત્ય વગેરે લઇ જવા ઉપર કે ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઇ જવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમજ પરીક્ષા કેન્દ્રની બહાર આજુબાજુમાં 100 મીટરના અંતરમાં પરીક્ષા દરમિયાન ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવું નહીં.
આ સાથે પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરના અંતરમાં ઝેરોક્ષ, ફોટોકોપી, પ્રિન્ટીંગની દુકાનો ચાલુ રાખી શકશે નહીં. લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ખોરવાઈ નહીં તે માટે ઉક્ત સમય દરમિયાન ખોદકામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તદુપરાંત પરીક્ષા સ્થળો પર પરીક્ષા સમય દરમિયાન બિનઅધિકૃત વ્યક્તિઓ પ્રવેશ કરી શકશે નહીં, એવું પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવાયું છે.
આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ-223 હેઠળ સજાને પાત્ર થશે. જો કે પરીક્ષા ફરજમાં રોકાયેલા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા અધિકૃત અધિકારીઓ પોતાની વિધિસરની ફરજો દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે.