ફતેપુરા વિસ્તારમાં મીઠા ફળિયાના મકાનમાં અચાનક આગ લાગતા સ્થાનિકોમાં ગભરાટ, કોઈ જાનહાનિ નહીં

હાથીખાના બજાર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બીજા માળે અચાનક આગ લાગી હતી

MailVadodara.com - Locals-panic-as-fire-breaks-out-in-Mitha-Phalias-house-in-Fatehpur-area-no-casualties-reported

- પ્રાથમિક તપાસ અને દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું

વડોદરા શહેરના ગીચ વસતિ ધરાવતા ફતેપુરા વિસ્તારમાં આવેલ હાથીખાનાના મીઠા ફળિયામાં આજે એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. મકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા જોઈને આસપાસના સ્થાનિક રહીશોમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. બનાવ અંગે તાત્કાલિક સ્થાનિક પોલીસ તથા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.

વડોદરા શહેરના હાથીખાના બજાર વિસ્તારમાં એક એપાર્ટમેન્ટના બીજા માળે અચાનક આગ લાગી હતી. આગના કારણે સ્થાનિક રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બનાવો સંદર્ભે સ્થાનિક રહીશોએ વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમને તાત્કાલિક ધોરણે જાણ કરી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ફાયર ફાઇટર્સની ટીમ વહેલામાં વહેલી તકે ઘટનાસ્થળે દોડી આવી હતી અને તાબડતોબ પાણીનો મારો ચલાવીને આસપાસના અન્ય મકાનો સુધી આગ ફેલાય તે પહેલાં જ તેના પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.

ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે તો પહોંચી હતી પરંતુ આ વિસ્તાર અત્યંત ગીચ હોવાના કારણે ફાયર વિભાગ ને પહોંચતા ક્ષણિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ફાયર બ્રિગેડની ત્વરિત અને સમયસૂચક કામગીરીના કારણે એક બહુ મોટી હોનારત ટળતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

પ્રાથમિક તપાસ અને દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. જોકે, આ ઘટનામાં સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ, વેપારીને આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું અનુમાન છે. આ બનાવને પગલે પોલીસ કાફલાએ પણ સ્થળ પર પહોંચીને કાયદાકીય કાગળો તૈયાર કરી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા બે ત્રણ દિવસથી ગરમીમાં વધારો જોવા મળી રહ્યો છે તેની સામે આગના પણ બનાવો વધ્યા છે. બે દિવસમાં ચારથી વધુ સ્થળે નાની મોટી આગના બનાવો સામે આવ્યા હોવાનો જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments