માંડવી સ્થિત રહેણાંક વિસ્તારમાં પીળા રંગનું અને દુર્ગંધ મારતું પીવાનું પાણી મળતાં સ્થાનિકોમાં રોષ

છેલ્લા 10 દિવસથી પીળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી મળતા સ્થાનિકોને ભારે હાલાકી

MailVadodara.com - Locals-are-angry-over-yellow-and-foul-smelling-drinking-water-in-a-residential-area-in-Mandvi

- પાણીની ગુણવત્તા સુધારવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકોએ માંગ કરી

વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં જમનાભાઈ હોસ્પિટલની પાછળ આવેલા રહેણાંક વિસ્તારમાં પીળા રંગનું અને દુર્ગંધ મારતું પાણી મળતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાણીની ગુણવત્તાને લઈને લોકોમાં આરોગ્ય અંગે પણ ચિંતા વ્યાપી છે.

સામાજિક કાર્યકર ફારુક સોનીએ જણાવ્યું હતું કે, વોર્ડ નંબર-14માં સમાવિષ્ટ આ વિસ્તારમાં અવારનવાર ડ્રેનેજ મિશ્રિત પાણી આવવાની સમસ્યા સર્જાય છે. છેલ્લા દસ દિવસથી પીળા રંગનું અને દુર્ગંધયુક્ત પાણી મળી રહ્યું છે, જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

માંડવી વિસ્તારમાં પીળા રંગના દુર્ગંધયુક્ત પાણીથી લોકો પરેશાન 1 - image

એમણે જણાવ્યું હતું કે, આ પાણી ઘરેલુ ઉપયોગ માટે પણ યોગ્ય નથી. જુબેર એપાર્ટમેન્ટ, ડાસુંમિયાનો ખાચો તેમજ આસપાસના વિસ્તારોમાં 100થી વધુ મકાનોમાં રહેતા લોકો આ સમસ્યાથી પ્રભાવિત થયા છે. પીવાનું તો દૂર, રોજિંદા ઉપયોગ માટે પણ પાણીનો ઉપયોગ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિકોનો આક્ષેપ છે કે પાણીની સમસ્યા અંગે અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી છે, છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. દૂષિત અને દુર્ગંધયુક્ત પાણીના કારણે રોગચાળો ફેલાવાની પણ ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકોનું કહ્યું છે કે, ગાયકવાડી શાસનની વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો હોવાથી ડ્રેનેજના પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી રહ્યા છે. જેથી નેટવર્કની પરિસ્થિતિ સુધારવી પણ જરૂરી છે. સ્થાનિકોએ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને તાત્કાલિક કાર્યવાહી કરીને પાણીની ગુણવત્તા સુધારવા તેમજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરી છે.

Share :

Leave a Comments