- માંજલપુર પોલીસે સીસીટીવી આધારે રૂપિયા કોના છે તે દિશામાં તપાસ શરૂ કરી
વડોદરા માંજલપુર વિસ્તારમાં ઈવા મોલ નજીકથી એક નાગરિકને રૂ. 100ની નવી કોરી નોટોના પાંચ બંડલ મળી આવ્યા, જેની કુલ કિંમત 50 હજાર રૂપિયા હોવાનું સામે આવ્યું છે. લોભ-લાલચને દૂર રાખીને આ નાગરિકે ઈમાનદારી દાખવતા આ રકમ માંજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે. પોલીસે રકમની ગણતરી કરી અને તેના માલિકની શોધખોળ શરૂ કરી. આ માટે સીસીટીવી ફૂટેજની ચકાસણી હાથ ધરવામાં આવી છે, જેથી રૂપિયાના માલિકની ઓળખ થઈ શકે.

રૂપિયા જમા કરાવનાર નાગરિક દેવાંગ શાહે જણાવ્યું, હું એલઆઈસી પ્રતાપનગર બ્રાન્ચથી ઈવા મોલ નજીક દરબાર ચોકડી જઈ રહ્યો હતો. મારી સાથે મારો પુત્ર દીપક સ્કૂટર ચલાવતો હતો. રસ્તામાં ટ્રાફિક ઝોન નજીક રૂ. 100ની નવી નોટોના પાંચ બંડલ મળ્યા.
તેને વધુમાં કહ્યું કે, મેં નજીકના મંદિરે જઈને તેનો ફોટો લીધો અને તરત જ માંજલપુર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો નિર્ણય લીધો. મેં બે-ત્રણ બેંકોમાં પૂછપરછ કરી, પરંતુ કોઈને આ રકમ વિશે માહિતી નહોતી. મારો ઉદ્દેશ એ જ છે કે આ રકમ તેના યોગ્ય માલિક સુધી પહોંચે.
આ ઘટના આજના સમયમાં ઈમાનદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. પોલીસે દેવાંગ શાહની પ્રામાણિકતાની પ્રશંસા કરી અને રકમના માલિકને શોધવા માટે તપાસ તેજ કરી છે.


