ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામની સીમથી નાના ફોફડિયા તરફ કેનાલ પાસેની ઝાડીઓમાં દારૂ અને બીયરના જથ્થાની સંભાળ રાખતા એક શખ્સ અને ત્રણ સગીરોની પણ પોલીસે અટકાયત કરી હતી. જ્યારે દારૂ મંગાવનાર બૂટલેગર ફરાર થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ કારવણથી નાના ફોફડીયા ગામ જવાના રસ્તા પર ચુડેલ માતાજીના મંદિરની સામે માઇનોર કેનાલ પાસેની ઝાડીઓમાં કાયાવરોહણના દારૂના ધંધાર્થી રમેશ ઉર્ફે બકો ભાણાભાઇ રાઠોડિયાએ દારૂનો મોટો જથ્થો સંતાડયો છે અને તેને ટૂંક સમયમાં વગે કરવાનો છે તેવી માહિતીના આધારે જિલ્લા એલસીબીએ ગઇ રાત્રે દરોડો પાડતા ત્રણ સગીર સહિત ચાર શખ્સો મળ્યા હતાં.
પોલીસે સન્ની ઉર્ફે લાલુ સુરેશ રાઠોડ (રહે.મણીનગર, ગામ મોગરાવાડી, જિલ્લો વલસાડ)ને ઝડપી પાડયો હતો જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલા અન્ય ત્રણ સગીરોની પણ પોલીસે અટકાયત કરી હતી. પોલીસે રૂા.૮.૪૪ લાખ કિંમતની ૩૧૪૪ નંગ દારૂની બોટલો અને બીયરના ટીન તેમજ ત્રણ મોબાઇલ મળી કુલ રૂા.૮.૫૯ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. સન્ની ઉર્ફે લાલુની પૂછપરછમાં તેણે જણાવેલ કે રમેશ ઉર્ફે બકાએ દારૂ સંતાડયો હતો અને તેની દેખરેખ અમો રાખતા હતાં. પોલીસે રમેશ ઉર્ફે બકાની શોધખોળ હાથ ધરી છે.


