કરજણ ભરથાણા પાસેથી ભુસાની આડમાં લઇ જવાતો 41.45 લાખનો દારૂ ઝડપાયો, બે આરોપીની ધરપકડ

જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમી આધારે ભરથાણા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી

MailVadodara.com - Liquor-worth-Rs-41-45-lakhs-seized-from-Karjan-police-station-under-the-guise-of-straw-two-accused-arrested

- ભરૂચ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતાની સાથે જ પોલીસે કોર્ડન કરીને રોકી તપાસ કરતા ભુસા ભરેલી બેગો જણાઇ હતી, પોલીસે વધુ તપાસ કરતા તેમાંથી 358 પેટી મળી આવી હતી

- પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે, ટેમ્પો, રોકડ 2000 સહિત 51,54, 240નો મુદ્દામાલ કબજે કર્યો, પોલીસે દારૂ મોકલનાર અને મંગાવનાર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી


વડોદરા કરજણ નેશનલ હાઇવે ઉપર આવેલા ભરથાણા પાસેથી જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ટેમ્પોમાં લાવવામાં આવી રહેલા રૂપિયા 41.45 લાખનો દારૂ-બિયરનો જંગી જથ્થો ઝડપી પાડયો હતો. આ દારૂ-બિયરનો જથ્થો ભુસાની આડમાં લવાતો હતો. પોલીસે દારૂ-બિયરના જથ્થા સાથે ટેમ્પો તેમજ અન્ય સામાન મળી કુલ્લે રૂપિયા 51.54 લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે.


વડોદરા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. કે. આર. સિસોદિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઈમની ટીમ કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન દારૂ ભરેલો ટેમ્પો ભરૂચ તરફથી એક વડોદરા તરફ આવી રહ્યો છે. આ માહિતીના આધારે પી.એસ.આઇ. પી.કે. ભુત અને તેમની ટીમ દ્વારા ભરથાણા ગામના પાટીયા પાસે વોચ ગોઠવી દેવામાં આવી હતી.


તેમને વધુમાં જણાવ્યું કે, ભરૂચ તરફથી બાતમીવાળો ટેમ્પો આવતાની સાથે જ વોચમાં ગોઠવાયેલી પોલીસે તેને કોર્ડન કરીને રોકી હતી. ટેમ્પોમાં તપાસ કરતા ભુસા ભરેલી બેગો જણાઇ આવી હતી. પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવતા તેમાંથી 358 પેટી મળી આવી હતી. પેટીઓમાં તપાસ કરતા તેમાંથી વિવિધ દારૂ-બિયરની બોટલો મળી આવી હતી. પોલીસ દ્વારા આ દારૂ-બિયરની બોટલોની ગણતરી કરતા રૂપિયા 41.45 લાખની કિંમતનો જથ્થો હતો.


એલસીબી પીઆઇ કે. આર. સિસોદિયાએ વધુમાં જણાવ્યું હતું કે, આ દારુ-બિયરના જથ્થા સાથે ટેમ્પો ચાલક જાવેદ નૂરમહંમદ (રહે. પઠાણટોલી, સાસરામ, બિહાર) અને રાજેશ મહેશ્વરી ગોસ્વામી (રહે. ડી/ 7/ 1, દાદપુર હરીદ્વાર, ઉત્તરાખંડ)ની ધરપકડ કરી હતી. આ ગુનામાં દારૂ-બિયરના જથ્થા સાથે, ટેમ્પો, રોકડ રૂપિયા 2000 સહિત રૂપિયા 51,54, 240નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

આ બનાવ અંગે કરજણ પોલીસ મથકમાં જાવેદ નૂરમહંમદ, રાજેશ મહેશ્વરી, દારૂ-બિયરનો જથ્થો મોકલનાર રાજા નામના વ્યક્તિ અને દારુ-બિયરનો જથ્થો મંગાવનાર સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments