- પોલીસે સ્થળ પરથી 8.85 લાખની કિંમતની દારૂની 4320 બોટલ અને એક ટેમ્પો, એક રીક્ષા મળી 11.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલ અને વિજય માળી વોન્ટેડ જાહેર કર્યો
શહેર-જિલ્લાના બુટલેગરો સામે પોલીસ તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવતા હોવા છતાં ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલ્યા કરે છે ત્યારે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા-હાલોલ રોડ ઉપર ભણીયારા અને સાવલી તાલુકાના વડી તલાવડીથી સરદારપુરા રોડ ઉપર ઠાલવવામાં આવેલો 12.80 લાખનો દારૂ, બીયરના જંગી જથ્થા સાથે સ્થળ ઉપરથી ત્રણ વાહનો મળી કુલ રૂપિયા 25.79 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર કે. આર. સિસોદીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોસઇ એસ.જે. રાઠવા તેમની ટીમ સાથે જરોદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે, ભણીયારા ગામની સીમમાં દિપમંગલ પેટ્રોલ પમ્પ નજીક પ્લોટીંગ સાઇટ ખાતે દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે અને વેચાણ કરાઇ રહ્યું છે. જેને પગલે દરોડો પાડતા દારૂ અને બીયરની 85 પેટી મળી આવી હતી. સ્થળ પરથી એક ટુવ્હીલર એકસેસ કબ્જે કરી કુલ રૂપિયા 4.44 લાખનો મુદ્દામાલ કબ્જે કરી જરોદ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
એલ.સી.બી. પીઆઇ કે.આર. સીસોદીયાએ વધુમાં જણાવ્યું હતું કે, વડી તલાવડી ઉપરાંત પોસઇ પી.કે. ભુત અને તેમની ટીમ શુક્રવારે સાવલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતી ત્યારે બુટલેગર ગોપાલ માળી અને વિજય માળીએ સાવલીના વડી તલાવડીથી સરદારપુરા રોડ ઉપર ફટાકડા સ્ટોર નજીક ખેતરના શેઢા ઉપર દારૂનો જથ્થો ઠાલવ્યો છે અને વાહનો મારફતે તેની હેરાફેરી થઇ રહી છે. જેને પગલે સ્ટાફે દરોડો પાડતા ઘટના સ્થળેથી રૂપિયા 8.85 લાખની કિંમતની દારૂની 4320 બોટલ અને એક ટેમ્પો તેમજ એજ રીક્ષા મળી આવ્યા હતા. પોલીસે રૂપિયા 11.85 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગોપાલ અને વિજય માળીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.


