વાઘોડિયામાં એક કેબિન તેમજ ચાર ઘરોમાં સંતાડી રાખેલો દારૂનો મોટો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે. ત્રણ નામચીન દારૂના ધંધાર્થીઓ નહી મળતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વાઘોડિયામાં છાત્રાલયવાળી નવીનગરીમાં વિનોદ ભગવાન વસાવા નામનો શખ્સ ઘરની પાસે તેની કેબિનમાં દારૂનો જથ્થો રાખી કરન પુજાભાઇ બારીયા અને જયમીન હરીશભાઇ બારીયા પાસે વેચાણ કરાવે છે તેમજ તેના ઘરમાં અને આજુબાજુના ઘરમાં પણ દારૂનો જથ્થો સંતાડીને રાખ્યો છે તેવી માહિતીના આધારે વાઘોડિયા પોલીસે ગઇ બપોરે દરોડો પાડયો હતો.
સ્થળ પર ત્રણેય શખ્સો મળ્યા ન હતા પરંતુ કેબિન અને તેના ઘર તેમજ આજુબાજુના અન્ય ત્રણ ઘરોમાંથી કુલ રૂા.૧૦.૩૧ લાખ કિંમતની ૩૬૬૮ નંગ દારૂની બોટલો મળી હતી. પોલીસે દારૂનો જથ્થો અને એક મોબાઇલ કબજે કર્યા હતાં. પોલીસે જણાવ્યું હતું કે વિનોદ સામે ૬, જયમીન સામે ૪ અને કરન સામે ૫ દારૂ સહિતના અન્ય ગુનાઓ નોંધાયા છે.


