વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પરથી ટ્રકમાં પ્લાયવુડની આડમાં લઇ જવાતો 57.75 લાખનો દારૂ ઝડપાયો

થર્ટી ફર્સ્ટ નજીક આવતા વિવિધ કિમીયા અજમાવી દારૂ ઘૂસાડવા બુટલેગરો સક્રિય બન્યા

MailVadodara.com - Liquor-worth-57-75-lakhs-was-seized-under-the-guise-of-plywood-in-a-truck-from-Vadodara-Express-Highway

- વડોદરા LCBએ વડોદરા થઇ ગાંધીધામ લઇ જવાતો 57.75 લાખનો દારૂ, પ્લાયવુડ અને ટ્રક મળી કુલ 74 .12 લાખનો મુદ્દામાલ કબજે કરી ટ્રકચાલકની ધરપકડ કરી

- દારૂનો જથ્થો ગાંધીધામ લઈ જવાનો હતો, ચાર લોકો સામે પોલીસે ગુનો નોંધ્યો


આગામી 31 ડિસેમ્બર નજીક આવતાની સાથે જ અલગ-અલગ કિમીયાઓ અજમાવીને દારૂ ઘૂસાડવા બુટલેગરો સક્રિય બન્યા છે. જોકે, પોલીસ પણ તેની સામે એલર્ટ થઇ ગઇ છે. ત્યારે મોડી રાત્રે જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે પ્લાયવુડની આડમાં વડોદરા થઇને ગાંધીધામ લઇ જવાતો રૂપિયા 57.75 લાખનો દારૂ, પ્લાયવુડ અને ટ્રક મળી કુલ રૂપિયા 74 .12 લાખનો મુદ્દામાલ કબજે કરવા સાથે દારૂ લઇ નીકળેલા ટ્રકચાલકની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કૃણાલ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે, મંજુસર પોલીસ મથકની હદમાં એલસીબીના જવાનો પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમી મળી કે, એક ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત, ભરૂચ, વડોદરા હાઇ-વે પર થઇને ગાંધીધામ તરફ જઇ રહ્યો છે. જેથી એલસીબીના જવાનો દ્વારા આજોડ ગામની સીમમાં એક્સપ્રેસ-વેના ટોલનાકા ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન બાતમીથી મળતી આવતી ટ્રક પસાર થતા તેને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તે પહેલા જ ચાલક તથા અન્યને શંકા જતા તેમણે ટ્રકને દુર ઉભી કરીને તેમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, તેમની પાછળ એલસીબીની ટીમના જવાનોએ પીછો કરી એકને દબોચી લીધો હતો. જ્યારે અન્ય ભાગી જવામાં સફળ રહ્યો હતો.


પોલીસે અટકાયત કરેલા ઇસમે પોતાનું નામ દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહજી કા ગુડા, ઉદેપુર, રાજસ્થાન) હોવાનું અને તે ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. તો ભાગી જનાર લાલસીંગ દેવડા રાજપૂત, ડ્રાઇવર હોવાનું જણાવ્યું હતું. ટ્રકમાં મુકેલા સામાન અંગે પૂછતા તેણે પ્લાયવુડ હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટ્રકમાં તપાસ કરતા પ્રથમ પ્લાયવુડ નજરે પડ્યું હતું અને તેને હટાવીને જોતા વિદેશી દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો. બાદમાં ટ્રકને મંજુસર ખાતે લાવીને મુદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી.


દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા તે અંગે ડ્રાઇવરને પૂછતા તેણે જણાવ્યું કે, લાલસીંગે એક મોબાઇલ નંબર આપ્યો હતો અને તેનો સંપર્ક કરતા તેણે ધૂલિયા ખાતે પહોંચીને ફોન કરવા જણાવ્યું હતું. ત્યાં પહોંચીને સંપર્ક કરતા તેઓને ઓરંગાબાદ બાયપાસ પાસે ટ્રક આપી હતી. તેની સાથે પ્લાયવુડની બીલ અને બિલ્ટી છે. ટ્રક લઇને ગાંધીધામ જવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ધૂલિયાથી નીકળીને સારકીઘાટ, નવાપુરા, સોનગઢ, વ્યારા, સુરત, ભરુચ, વડોદરા થઇને આવ્યા હતા. રસ્તામાં તેમને વોટ્સએપ ફોન કરીને શખ્સ લોકેશન પૂછતો હતો અને માર્ગદર્શન આપતો હતો.

આ ઉપરોક્ત કાર્યવાહીમાં રૂપિયા 57.75 લાખનો વિદેશી દારૂ, ફોન, પ્લાયવુડ, ટ્રક સહિત કુલ રૂપિયા 74.12 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દેવીલાલ ટીલારામજી પટેલ (રહે. નવલસિંહ જિ. કાગુડા, રાજસ્થાન), લાલસીંગ રાજપૂત (રહે. ઉદેપુર) અને બે અજાણ્યા શખ્સો સામે મંજુસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધી છે. આ મામલે દેવીલાલ સિવાયના તમામને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Share :

Leave a Comments