ડભોઈ તાલુકાના બોરીયાદ ગામેથી 13.62 લાખનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો, બિનવારસી કાર જપ્ત

સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે માહિતી આધારે બોરીયાદ ગામે દરોડો પાડ્યો હતો

MailVadodara.com - Liquor-and-beer-stock-worth-13-62-lakh-seized-in-Boriyad-village-of-Dabhoi

- સંખેડા તરફથી દારૂ ભરીને આવતી ઈનોવા કાર બોરીયાદમાં મળી, ઈનોવા કાર રોકવાનો પ્રયાસ કરતાં ચાલક ગામ તરફ ભાગ્યો, ચાલક અંધારાનો લાભ લઈ ફરાર થઇ ગયો

ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) ની ટીમ દ્વારા વડોદરા ગ્રામ્ય વિસ્તારના ડભોઈ તાલુકામાં આવેલ બોરીયાદ ગામે પાડવામાં આવેલા દરોડા દરમિયાન વિદેશી દારૂ અને બીયરનો મોટો જથ્થો તેમજ દારૂની હેરાફેરીમાં વપરાયેલી ઈનોવા કાર જપ્ત કરી કુલ રૂ.28,62,612 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.


આ અંગે મળતી વિગતો અનુસાર, SMCને માહિતી મળી હતી કે, ડભોઈના લિસ્ટેડ બૂટલેગર ધવલ રાજુભાઈ જયસ્વાલ, તેનો ભાઈ જય રાજુભાઈ જયસ્વાલ અને પિતા રાજુભાઈ બાબુભાઈ જયસ્વાલ બહારથી વિદેશી દારૂનો જથ્થો મંગાવીને વેચાણ કરે છે. આ દારૂનો જથ્થો સંખેડા તરફથી એક ઈનોવા કારમાં ભરીને ડભોઈ તરફ લાવવામાં આવી રહ્યો છે.

SMC ની ટીમે બોરીયાદ ગામના પાટીયા પાસે વોચ ગોઠવી હતી. તે સમયે શંકાસ્પદ ઈનોવા ગાડી આવતા તેને રોકવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે ગામ તરફ ભગાવી મૂકી હતી. પોલીસે પીછો કરતા ઈનોવા કાર બોરીયાદ ગામમાં વણકરવાસ પાછળ પટેલ ફળિયા પાસે કનુભાઈ રામદાસ પટેલના ખુલ્લા વાડામાં બિનવારસી હાલતમાં મળી આવી હતી. કારનો ચાલક ગાડી લોક કરીને અંધારાનો લાભ ઉઠાવી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. પોલીસે દારૂની કુલ 2,701 નંગ બોટલ/ટીન કિંમત રૂ.13,62,612 તથા ઈનોવા કાર સહિત કુલ રૂ.28,62,612 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

Share :

Leave a Comments