દીપડાએ વાછરડાનું મારણ કર્યું ગ્રામજનોએ રેકી કરતા દીપડો ભાગી ગયો, પાંજરું મૂકાશે

દીપડો ક્યાંથી આવ્યો તે દિશામાં વન વિભાગની તપાસ

MailVadodara.com - Leopard-kills-calf-leopard-escapes-while-villagers-are-doing-rescue-cage-will-be-put-up

- બે દિવસથી દીપડો ગામના સીમ વિસ્તારમાં આંટાફેરા મારતો હતો

વડોદરા જિલ્લાના રાયકા ગામે ગત મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં દહેશત જોવા મળી હતી. મોડી રાત્રે એક વાછરડીનું મારણ કરી બાજુમાં બેઠેલા દીપડાનો વીડિયો સામે આવ્યો છે. આ મામલે વડોદરા વન વિભાગની ટીમે વધુ કાર્યવાહી શરૂ કરી છે.


રાયકા ગામે દીપડાની દહેશતથી ગ્રામજનોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા બે દિવસથી દીપડો ગામના સીમ વિસ્તારમાં આંટાફેરા મારતો હોવાથી ગ્રામજનો ચિંતામાં મુકાયા છે. દીપડો રાત્રિ દરમિયાન શિકાર કરવા ગામમાં આવી જતો હોવાથી ગ્રામજનોએ દીપડાની શોધખોળ આરંભી હતી. પરિણામે ગત રાત્રિ દરમિયાન એક વાછરડીનો શિકાર કરી બેસેલા દીપડાને કારચાલક જોઈ જતા દીપડો પ્રકાશ જોઈ ત્યાંથી પલાયન થઈ ગયો હતો.

આ સમગ્ર બનાવ અંગે વડોદરા વન વિભાગની ટીમ રાયકા ગામે પહોંચી હતી અને દીપડો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે. સાથે દીપડાએ એક વાછરડીનું મારણ કર્યું છે તે અંગે પણ ચકાસણી કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગે આર.એફ.ઓ કરણરાજસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, આ અંગેની અમને જાણ કરવામાં આવતા જ અમારી ટીમે સ્થળ મુલાકાત લીધી છે. દીપડાએ જે વાછરડીનું મારણ કર્યું છે તે સ્થળે જઈ ચકાસણી કરી છે અને સરકાર દ્વારા જે કઈ સહાય મળવાપાત્ર હશે તે માલિક લાલજીભાઈ રવાભાઈ રબારીને આપવામાં આવે તે માટે કાર્યવાહી કરી છે. આજે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરું મૂકી દીપડાને પૂરવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.

એક ગ્રામજને જણાવ્યું હતું કે, ગઈકાલે રાત્રે ગામના ડેપ્યુટી સરપંચ દ્વારા સાડા બાર વાગ્યે જાણ કરવામાં આવે હતી કે ગામની ભાગોરની હદમાં એક દીપડાએ પશુનું મારણ કર્યું છે. ત્યારે અમે ડેપ્યુટી સરપંચ સાથે ગાડી લઈને સ્થળ પર પહોંચ્યા હતા અને વીડિયો લઈ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. લોકોને પણ અપીલ છે કે રાત્રિના સમયે ધ્યાન રાખે.

Share :

Leave a Comments