મોડી રાતે બેફામ ગતિએ થાર લઈને જતી યુવતીએ એક્ટિવાચાલક યુવકને અડફેટે લેતાં સ્થળ પર મોત

અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાયેલી અકસ્માતની ઘટના CCTVમાં કેદ

MailVadodara.com - Late-at-night-a-young-woman-driving-a-Thar-at-a-reckless-speed-hit-a-young-man-driving-an-Activa-killing-him-on-the-spot

- ગત રાત્રે 19 વર્ષીય ઋષિદા સદના બે યુવતી સાથે થાર ગાડી લઇને લગ્નપ્રસંગમાંથી ઘરે જતી હતી ત્યારે પાર્સલ આપવા જતાં એક્ટિવાચાલક 27 વર્ષીય અભિષેક મોરેને અડફેટે લીધો હતો

- એકના એક દીકરાના મોતથી પરિવારમાં શોકનું મોજું, પોલીસે યુવતીની અટકાયત કરી


સંસ્કારી નગરી વડોદરામાં રફ્તારનો કહેર યથાવત્ જોવા મળી રહ્યો છે. ગત મોડીરાત્રે શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં લગ્ન પ્રસંગમાંથી બેફામ ગતિએ થાર કાર લઈને જતી 19 વર્ષીય યુવતીએ એક્ટિવાચાલક યુવકને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. રોડ પર પડેલા યુવકના મૃતદેહનો જોઈ લોકોની કંપારી છૂટી ગઈ હતી. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં એક્ટિવા દૂર સુધી ઢસડાતું અને લોકો દોડીને ઘટનાસ્થળે જતાં દેખાઈ રહ્યાં છે.


મળતી માહિતી મુજબ, અકસ્માતની આ ઘટના અક્ષર ચોકથી સન ફાર્મા રોડ તરફ જવાના માર્ગ પર સર્જાઈ હતી. 13 ફેબ્રુઆરીની મોડીરાત્રે 27 વર્ષીય અભિષેક મોરે નામનો યુવક પોતાનું એક્ટિવા લઈને પાર્સલ આપવા માટે જઈ રહ્યો હતો, ત્યારે ઋષિકા સદનાની નામની યુવતી અન્ય બે યુવતી સાથે પોતાની થાર ગાડી લઈને લગ્નપ્રસંગમાંથી પૂરપાટ ઝડપે ઘરે જઇ રહી હતી. યુવતીએ ગાડી પરનો કાબૂ ગુમાવતાં અભિષેકને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભારે હતી કે અભિષેક મોરેનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. અકસ્માત થતાં જ વાતાવરણ ગમગીન બની ગયું હતું. દીકરાના મોતના સમાચાર મળતા જ મોરે પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અચાનક આભ તૂટી પડતા પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસર ગમગીન બની ગયું હતું.


ઘટનાની જાણ થતાં જ અટલાદરા પોલીસકાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતક અભિષેકના મૃતદેહને કબજે કરી પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ મામલે મૃતકના પિતા વાસુદેવ રામજીભાઈ મોરેએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં થારચાલક યુવતી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતાં આરોપી યુવતી ઋષિકાની ધરપકડ કરી છે અને અકસ્માત સમયે યુવતી નશામાં હતી કે કેમ? એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે.


મૃતક અભિષેક વાસુદેવભાઈ મોરે (ઉં.વ.27, રહે.સર્વિદાયનગર શિવાજીપુરી કલાલી, અટલાદરા) ફૂડ ડિલિવરીનું કામ કરતો હતો. જુવાનજોધ એકના એક દીકરાના અચાનક મોતના સમાચાર મળતાં જ મોરે પરિવાર પર આભ તૂટી પડ્યું છે. મોડીરાતે પરિવારજનો સહિતાએ પોલીસ સ્ટેશન પહોંચી ભારે હોબાળો પણ કર્યો હતો. વડોદરામાં રાત્રિના સમયે વધતા જતા નબીરાઓના જોખમી ડ્રાઈવિંગ સામે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


આ અંગે યુવકના પિતરાઈ ભાઈ સંદીપ મોરેએ જણાવ્યું કે, મારા કાકાનો દીકરો અભિષેક નોકરી પરથી પાર્સલ આપવા માટે જતો હતો, તે દરમિયાન સામેથી થાર કારે અકસ્માત કર્યો હતો. અભિષેકનું સ્થળે જ મોત નીપજ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, એક્ટિવાને એડફેટે લીધા બાદ થારચાલક યુવતીએ આજ સ્થળ પર બે દિવસ અગાઉ મહારાષ્ટ્રથી આવેલા પરિવારનો શેરડીનો રસ કાઢવાનું મશીનને ટક્કર મારી તોડી નાખ્યું છે. રાતના 1 વાગ્યે બનેલી ઘટનાને પગલે લોકોનાં ટોળું રોડ પર ઊમટી પડ્યાં હતાં. તો બીજી તરફ યુવકના પિતાની ફરિયાદના આધારે પોલીસે યુવતીની ધરપકડ કરી છે. નોંધનિય છે કે, થાર કારમાં ત્રણ યુવતી સવાર હતી.

Share :

Leave a Comments