- વેપારી સાથે બોલાચાલી બાદ ચારથી પાંચ શખ્સોએ દુકાનમાં ખુરસીઓના ઘા કરી સ્ટોક અને વાહનોમાં નુકસાન કર્યું, વેપારીના કપડા ફાડી નાખ્યા; જે.પી. રોડ પોલીસે તપાસ શરૂ કરી

વડોદરામાં લુખ્ખાઓને જાણે પોલીસનો ડર જ ન રહ્યો હોય તે રીતે ફર્નિચરના શો રૂમમાં ઘૂસી તોડફોડ કરી હોવાનો વીડિયો સામે આવ્યો છે. વડોદરા શહેરના સનફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલની બાજુમાં આવેલી લેન્ડમાર્ક ફર્નિચર હબ નામની દુકાનમાં રૂપિયાની લેતીદેતીના મામલે હિંસક દ્રશ્યો સર્જાયા હતા. 4થી 5 શખ્સોએ મળીને ફર્નિચરની દુકાનમાં ભારે તોડફોડ કરી હતી. ખુરસી સહિતની જે વસ્તુ હાથમાં આવી તેનાથી તોડફોડ કરી હતી અને વેપારીના કપડા ફાડી નાખ્યાં હતા અને માર માર્યો હતો. ઘટનાની જાણ થતાં જે પી રોડ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.




વડોદરાના સનફાર્મા રોડ પર આવેલ લેન્ડમાર્ક ફર્નિચર હબ નામની દુકાન માલિક યામીનભાઈ સાથે બહારથી આવેલા ચાર જેટલા ઇસમોએ ઉગ્ર બોલાચાલી બાદ લાકડાના ફટકાથી મારામારી કરી હતી. માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ દુકાનમાં ભારે તોડફોડ કરી હતી તેમજ બહાર પાર્ક કરેલી ગાડીઓનું પણ નુકસાન કર્યું હતું. અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ છવાઈ ગયો હતો.


ઘટનાની જાણ થતાં જ જે.પી. રોડ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને પરિસ્થિતિ પર કાબૂ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે તપાસ શરૂ કરી છે. વડોદરા શહેરમાં ખુલ્લેઆમ ગુંડાગીરી અને હિંસાની ઘટનાઓ સામે પોલીસની કાર્યવાહી શરૂ કરી છે.


દુકાન માલિક પ્રીતિબેને જણાવ્યું હતું કે, વાત એમ છે કે અમે લેબર પાસે જે કામ કરાવ્યું હતું, તેણે એ કામ કર્યું ખરું, પણ કામમાં જરાય ફિનિશિંગ નહોતું અને કોઈ પણ કામ તેણે વ્યવસ્થિત રીતે કે, સમયસર પૂરું કર્યું નહોતું. મેં તેને 80% પેમેન્ટ તો કરી દીધું છે. બાકીનું જે 15-20% પેમેન્ટ બાકી છે, તેના માટે મેં તેને કહ્યું હતું કે મારું પેમેન્ટ રિલીઝ થશે એટલે હું સામેથી જ તમને આપી દઈશ. તે રોજ અહીં આવીને મને ટોર્ચર કરે છે, પ્રેશર કરે છે અને ગમે તેમ આડીઅવળી વાતો કરીને ગેરવર્તણૂક કરે છે.


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, મારા પતિ અહીં હાજર હતા, તેણે મારા પતિ સાથે પણ ખરાબ વર્તન કર્યું હતું અને ગાળાગાળી કરી હતી. મારા પતિએ તેને શાંતિથી કહ્યું કે, "ભાઈ, તું અત્યારે અહીંથી જતો રહે, તારું પેમેન્ટ પછી આવીને લઈ જજે." પણ તે માન્યો નહીં અને તે તેની સાથે બીજા 4થી 5 માણસો લઈને આવ્યો હતો. મેં તેને રોક્યો હતો કે, અહીં આવી અભદ્ર ભાષાનો પ્રયોગ ન કર, હું અહીં ઊભી છું, પણ તે પૂરી તૈયારી સાથે આવ્યો હતો અને અહીં આવીને તેણે મારામારી શરૂ કરી દીધી હતી. તેઓએ કહ્યું હતું કે, તેઓએ મારી આખી દુકાનમાં નુકસાન કર્યું છે. આખા પરિસરની હાલત ખરાબ કરી નાખી છે. મારો જે સ્ટોક હતો તે ડેમેજ કર્યો છે, મારા પતિને માર માર્યો છે અને મારી કારમાં પણ તોડફોડ કરી છે. તેણે મારી સાથે એટલી ગંદી ગાળાગાળી અને ખરાબ વર્તન કર્યું છે કે જે સાંભળી પણ ન શકાય. મને આ બાબતે યોગ્ય ન્યાય જોઈએ છે.



