- નવરાત્રિમાં મહિલાઓની અવરજવર વચ્ચે જોખમની રજૂઆત
- સામાજિક કાર્યકર લખન દરબારની તંત્રને તાત્કાલિક વ્યવસ્થા કરવાની માગ
વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રમાં આવેલા અનગઢ, રણોલી અને બાજવા બ્રિજ પર લાંબા સમયથી સ્ટ્રીટ લાઇટની સુવિધા ન હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. અનેક વખત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં સમસ્યાનો ઉકેલ નહીં આવતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોની સલામતી સામે સવાલ ઊભા થયા છે. હાલ નવરાત્રી પર્વ ચાલી રહ્યો છે ત્યારે દીકરીઓ અને મહિલાઓ મોડી રાત સુધી અવરજવર કરતી હોવાથી અંધારામાંથી પસાર થવું જોખમી બની શકે છે.

સામાજિક કાર્યકર લખન દરબારે આ મુદ્દે તંત્ર સામે રોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે', વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના આ ત્રણેય બ્રિજ પર સ્ટ્રીટ લાઇટનો અભાવ છે. ખાસ કરીને તાજેતરમાં બનેલા બાજવા રેલવે ઓવરબ્રિજ પર સ્ટ્રીટ લાઇટ લગાવવાનું પણ ઇજનેરો ભૂલી ગયા હોય તેવી સ્થિતિ છે. નવો બ્રિજ બનાવ્યા બાદ તેના પર પ્રકાશની વ્યવસ્થા ન હોવી એ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા કરે છે. તેમણે આ સ્થિતિને ભ્રષ્ટાચારનો ઉત્તમ નમૂનો ગણાવી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અનગઢ અને રણોલી બ્રિજની સ્થિતિ પણ આવી જ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં જવાબદાર અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. લોકોની સલામતી સાથે જોડાયેલી આટલી મહત્ત્વની સમસ્યા હોવા છતાં કોઈને પડી ન હોય તેવું લાગી રહ્યું છે. અંધારામાંથી પસાર થતા વાહનચાલકો અને સ્થાનિક લોકો માટે જોખમ ઊભું થાય છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાનો આક્ષેપ તેમણે કર્યો હતો.
લખન દરબારે ચીમકી આપતાં જણાવ્યું હતું કે વાઘોડિયા વિધાનસભા ક્ષેત્રના અનગઢ, રણોલી અને બાજવા એમ ત્રણેય બ્રિજ પર તાત્કાલિક સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. જો તંત્ર દ્વારા આ દિશામાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જનઆંદોલન કરીને નેતાઓ અને અધિકારીઓની ઊંઘ ઉડાડવામાં આવશે.


