વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગમાં ગાંધી જયંતિએ 20 લાખ રૂપિયાથી વધુની ખાદીનું વેચાણ થયું

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખાદીના વેચાણમાં એકથી દોઢ લાખ રૂપિયાનો વધારો થયો

MailVadodara.com - Khadi-worth-over-Rs-20-lakh-was-sold-on-Gandhi-Jayanti-in-Vadodara-district-Khadi-Gramodhog

- 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર 30 ટકા અને પરપ્રાંતની ખાદી પર 20 ટકા ખાસ ડિસ્કાઉન્ટ મળશે

- એક જોડી ખાદી ખરીદી નાના કારીગરોને પ્રોત્સાહન આપવા અપીલ

વડોદરા જિલ્લા ખાદી ગ્રામોધોગ ભવન, કોઠી, રાવપુરા વડોદરા ખાતે ગાંધી જ્યંતિએ 20 લાખ રૂપિયાથી વધુની ખાદીનું વેચાણ થયું છે. આગામી 31 ડિસેમ્બર સુધી ગુજરાતમાં બનતી ખાદી પર 30 ટકા અને પરપ્રાંતની ખાદી પર 20 ટકા ખાસ વળતર આપવામાં આવશે. સુતરાઉ કાપડ - રીંકલ ફી, મસલીન ખાદી, કલકત્તી ખાદી, રંગીન ખાદી, કોટન શર્ટ, સદરા, સાડી તથા ડ્રેસ રેશમ સીલ્ક સાડી, રાજકોટ પટોળા, જામદાની સાડી, હૈદરાબાદી રેશમી ડ્રેસ, પ્લેન સીલ્ક શર્ટીંગ સીલ્ક રેડીમેડ, ગરમ વસ્ત્ર ગરમ જેકેટ, બ્લેન્કેટ, ગરમ શાલ તથા ભારત ભરમાંથી ઉત્પાદન થયેલ ખાદી ઉપલબ્ધ છે.


વડોદરા ખાદી ગ્રામોદ્યોગના મેનેજર રાકેશ પટેલે જણાવ્યું કે, છેલ્લા પાંચ વર્ષથી રાવપુરા કોઠી ખાતે ખાદી ગ્રામોદ્યોગ સંચાલિત છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકાર દ્વારા ખાદી ઉત્પાદનો પર ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે. આ અંગે વિગત આપતાં તેમણે કહ્યું હતું કે, ગઈકાલે સરકારે ખાદી ગ્રામોદ્યોગ માટે નવી ડિસ્કાઉન્ટ યોજના જાહેર કરી છે, જેમાં પરપ્રાંતની ખાદી પર 20% અને ગુજરાતની ખાદી પર 30% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટ યોજના 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

રાકેશ પટેલે જનતાને અપીલ કરતાં કહ્યું હતું, હું લોકોને વિનંતી કરું છું કે આ ત્રણ મહિનાના સમયગાળા દરમિયાન ખાદી ખરીદીને આ ડિસ્કાઉન્ટનો લાભ લો. ગત વર્ષની સરખામણીએ આ વખતે ખાદીના વેચાણમાં લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનો વધારો થયો છે.

યુવાઓને પ્રોત્સાહન આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે, અમારી યુવાઓને એક જ અપીલ છે કે, તેઓ ઓછામાં ઓછું એક જોડી ખાદી ખરીદે, જેથી નાનામાં નાના કારીગરોને પ્રોત્સાહન મળે અને તેમને રોજી-રોટી મળી રહે. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી ખાદી ગ્રામોદ્યોગ અને ઉત્પાદકો યુવાઓને અનુકૂળ રીતે આકર્ષક રંગો, કોટન ખાદી અને મસ્લિન ખાદી જેવા ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે, જે યુવાઓને ખૂબ પસંદ પડે છે.

Share :

Leave a Comments