રૂા.5ની બે જૂની નોટના બદલામાં રૂ.34 લાખની લાલચ આપી કરજણના ખેડૂત સાથે 1,06,400ની છેતરપિંડી

જૂની પાંચ રૂપિયાની નોટના બદલામાં લાખોની લાલચ ભારે પડી

MailVadodara.com - Karjan-farmer-cheated-of-Rs-106400-by-offering-Rs-34-lakh-in-exchange-for-two-old-Rs-5-notes

- ફેસબુકની જાહેરાત જોઈ મહેન્દ્ર માછીએ વોટ્સએપ પર સંપર્ક કર્યો, વલણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી

- પ્રથમ રૂ.750 ભરાવ્યા બાદ રૂ.25,500 અને રૂ.53,000ની માગ કરાઈ

સોશિયલ મીડિયા ઉપર આવતી જાહેરાતોને જોઈને કેટલાય લોકો લાલચમાં આવી જઈ લાખોની મત્તા ગુમાવે છે. આવો જ એક કિસ્સો વડોદરાના વલણ પોલીસ મથકની હદમાં બન્યો છે. જેમાં 5ની જૂની નોટ બદલ સત્તર લાખ રૂપિયા લેવાની લાલચમાં કરજણ તાલુકાના એક વ્યક્તિ રૂ. 1 લાખ ઉપરાંતના સાયબર ફ્રોડમાં ફસાયા છે. તેઓ પાસે રૂ. 5ની બે જૂની નોટ હતી જેના બદલામાં 34 લાખ મેળવવાની લાલચે તબક્કાવાર રૂ. 1.6 લાખ ગુમાવ્યા હતા. આ અંગે વલણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

કરજણ તાલુકાના જૂની સાયર ગામ ખાતે રહેતા અને ખેતી કામ સાથે સંકળાયેલા 42 વર્ષીય મહેન્દ્ર માછી 15 દિવસ અગાઉ મોબાઈલમાં રીલ્સ જોઈ રહ્યા હતા દરમિયાન ફેસબુકમાં એક જાહેરાત જોઈ હતી જેમાં જણાવવામાં આવ્યું હતું કે રૂ. 5ની જૂની 1 ચલણી નોટના બદલામાં રૂ. 17 લાખ મેળવો. આ રીલ્સ જોઈ મહેન્દ્રભાઈના મનમાં લાલચ જાગી હતી અને સ્ક્રીન ઉપર આવેલા મોબાઈલ નંબર ઉપર વોટ્સએપ કરીને ફોટા મોકલ્યા હતા અને પોતાની પાસે રૂ. 5ની બે જૂની ચલણી નોટો હોવાનું જણાવ્યું હતું.

મહેન્દ્રભાઈ માછીએ વોટ્સએપ કર્યા બાદ 6 ઓક્ટોબરના રોજ તેઓના મોબાઈલ ઉપર એક વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં સામેથી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમારી પાસે રૂ. 5 ની જે બે જૂની ચલણી નોટ છે તે અમારો માણસ લેવા આવશે અને તમને રૂ. 34 લાખનું પાર્સલ આપશે. જેની ફી પેટે તમારે રૂ. 750 ભરવા પડશે. અને તેઓના મોબાઈલ ઉપર ક્યુઆર કોડ મોકલી આપવામાં આવ્યો. જેમાં મહેન્દ્રભાઈએ રૂ. 750 જમા કરાવી દીધા હતા.

બીજા દિવસે એટલે કે 7 ઓક્ટોબરના રોજ મહેન્દ્રભાઈ ઉપર બીજો ફોન આવ્યો હતો જેમાં સામેવાળા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તમને પાર્સલ આપવા જે વ્યક્તિ આવતા હતા તે પાર્સલ સાથે પકડાઈ ગયા છે અને તેમને છોડાવવા માટે તમારે બીજા રૂ. 25,500 ભરવા પડશે. મહેન્દ્રભાઈએ રૂ. 34 લાખ મેળવવાની લાલચે આ નાણાં પણ ભરી દીધા હતા. જો કે અહીંથી ભેજાબાજો અટકી ગયા ન હતા અને મહેન્દ્રભાઈ પાસે વધુ નાણાં પડાવવાની ફિરાકમાં લાગી ગયા હતા

મહેન્દ્રભાઈ ઉપર 8 ઓક્ટોબરના રોજ વધુ એક ફોન આવ્યો હતો અને તેમાં પણ સામેવાળાએ એમ જ કહ્યું હતું કે, અમારા માણસો પકડાઈ ગયા છે તમારે તમારા પૈસા જોઈતા હોય તો વધુ 53,000 ભરવા પડશે. આમ તબક્કાવાર મહેન્દ્ર માછીએ માત્ર ત્રણ જ દિવસમાં 1,06,400 રુપોયા ઓનલાઇન ટ્રાન્જેક્શન દ્વારા કર્યા હતા. જો કે ત્યારબાદ તેઓને માલુમ પડ્યું કે તેઓ સાથે મોટી છેતરપિંડી થઇ છે ત્યારે તેઓએ વલણ પોલીસ મથકમાં સાયબર ફ્રોડ અંગેની ફરિયાદ નોંધાવી છે. બનાવ સંદર્ભે વલણ પોલીસ મથકના પી.આઈ. પી.ટી.ચૌધરીએ તપાસ હાથ ધરી છે.

Share :

Leave a Comments