- અધિકારીની પત્નીએ પતિના ડ્રાઈવર તથા એક શખ્સ સામે ચોરી કર્યાની શંકા વ્યક્ત કરી
- ચોરી થયેલા દાગીનામાં સોનાનું બ્રેસલેટ, ચેઇન, પેન્ડલ, બંગડી, ટિકો, નથણી, બુટ્ટી તથા ડાયમંડ અને સોનાની વીંટીઓ સહિત આશરે 180 ગ્રામ સોનાના દાગીના ચોરાયાં
વડોદરાના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા જીએસટીના એડિશનલ કમિશનરના ઘરમાંથી આશરે રૂ.5.40 લાખના સોનાના દાગીનાની ચોરી થયાનો મામલો સામે આવ્યો છે. અધિકારીની પત્નીએ પોતાના પતિના ડ્રાઈવર તથા એક અજાણ્યા શખ્સ સામે ચોરી કર્યાની શંકા વ્યક્ત કરી છે. લક્ષ્મીપુરા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
વડોદરા શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં યુટોપીયન કોર્નરમાં રહેતા કનુપ્રિયા અરુણકુમાર સુરેશરામે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના પતિ સુભાનપુરા સ્થિત GST ભવનમાં એડિશનલ કમિશ્નર તરીકે ફરજ બજાવે છે. પતિને લેવા-મુકવા માટે આવતો ડ્રાઈવર રાજેન્દ્ર નગીન પટેલ પરિવારના સંપર્કમાં હતો અને ઘરની અંદરની કઈ વસ્તુ ક્યાં મૂકી છે તેની માહિતીથી પણ આ ડ્રાઇવર પરિચિત હતો.
નવેમ્બર-2024 દરમિયાન પરિવાર ઉત્તરપ્રદેશ ગયો હતો, ત્યારે ઘરમાં રિનોવેશનનું કામ ચાલતું હોવાથી ઘરની ચાવી ડ્રાઈવર રાજેન્દ્ર પટેલને સોંપવામાં આવી હતી. તે દરમિયાન ઘરની તિજોરીમાં સોનાના દાગીના રાખવામાં આવતા હતા. પરિવાર બહારગામ જતો રહેતા અને પરત ફર્યા બાદ તિજોરીમાં રાખેલા દાગીના ધીમે ધીમે ગાયબ થવા લાગ્યા હતા. શરૂઆતમાં પરિવારજનોએ શોધખોળ ન કરતા મામલો ગંભીર બન્યો હતો. બાદમાં એક પછી એક દાગીના ઓછા થતા શંકા મજબૂત બની હતી.
થોડા દિવસો પહેલા ઘરમાં CCTV કેમેરા લગાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તા.10 મેના રોજ સવારે આશરે 10 વાગ્યે ડ્રાઈવર રાજેન્દ્ર પટેલ એક અજાણ્યા વ્યક્તિ સાથે ઘેર આવ્યો હતો અને ડુપ્લિકેટ ચાવી વડે દરવાજો ખોલી અંદર પ્રવેશ કર્યો હતો. બંને શખ્સો તિજોરી સુધી પહોંચ્યા હોવાનું CCTVમાં દેખાતું હતુ. ચોરી થયેલા દાગીનામાં સોનાનું બ્રેસલેટ, ચેઇન, પેન્ડલ, બંગડી, ટિકો, નથણી, બુટ્ટી તથા ડાયમંડ અને સોનાની વીંટીઓ સહિત આશરે 180 ગ્રામ સોનાના દાગીનાની કિંમત અંદાજે રૂ.5.40 લાખ થાય છે.
મહિલાએ ડ્રાઈવર રાજેન્દ્ર નગીન પટેલ (રહે. વિલેજા રેસીડન્સી, નટુભાઈ સર્કલ પાસે, વડોદરા) તથા તેના સાગરિત સામે ડુપ્લિકેટ ચાવી વડે તાળુ ખોલી ઘરમાં પ્રવેશ કરી તિજોરીમાંથી દાગીના ચોરી કર્યાનો આક્ષેપ કર્યો છે. પોલીસે ગુનો દાખલ કરીને CCTV ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.


