- 14 ચાલકો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવ, શંકાસ્પદ અને નંબર પ્લેટ વિનાના 41 અને ટ્રાફિક નિયમોના ભંગ બદલ 68 વાહનો ડિટેઈન કરાયા તથા 17,800નો દંડ વસૂલવામાં આવ્યો
આગામી તહેવારો દરમિયાન વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ લૂંટ, ચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી પોલીસ કમિશનર નરસિમ્હા કોમરની સૂચનાથી વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. 3 ઓગસ્ટના રોજ રાત્રે 8 થી 11 વાગ્યા દરમિયાન શહેરના તમામ ચેકપોસ્ટ અને સંવેદનશીલ પોઈન્ટ્સ પર 'કોમ્બિંગ વિહિકલ ચેકિંગ'ની ખાસ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
સઘન ડ્રાઇવ દરમિયાન પોલીસ દ્વારા કુલ 1494 વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જેમાં દારૂ પીને વાહન ચલાવતા 14 ચાલકો સામે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ દાખલ કરાયા હતા. શંકાસ્પદ અને નંબર પ્લેટ વિનાના 41 વાહનો ડિટેન કરાયા. ટ્રાફિક નિયમોના ગંભીર ભંગ બદલ કલમ 207 હેઠળ 68 વાહનો ડિટેઈન કરાયા તથા 17,800નો દંડ વસૂલવામાં આવ્યો હતો.
DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન 1 અને 2માં વધારે રેસિડેન્શિયલ વિસ્તારો આવેલા હોવાથી ત્યાં 'પ્રોપર્ટી ઓફન્સ' (મિલકત સંબંધિત ગુના) અટકાવવા માટે ખાસ મેગા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. અગાઉ ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સો (MCR ડેટા મુજબ) અને શંકાસ્પદ વ્યક્તિઓનું સઘન ચેકિંગ કરી તેમની વર્તમાન પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં આવી રહી છે.
અવાવરૂ કે બિનવારસી વાહનોની તપાસ સાથે સોસાયટીઓના સિક્યોરિટી ગાર્ડ્સનું બ્રીફિંગ પણ કરાઈ રહ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે, ગુના બનતા અટકાવવા તે તેમની પ્રાથમિક જવાબદારી છે અને નાગરિકોની સુરક્ષા માટે આગામી દિવસોમાં પણ આવી સરપ્રાઈઝ ચેકિંગ કામગીરી ચાલુ રહેશે.


