વડોદરા કોર્પોરેશન દ્વારા સઘન સ્વચ્છતા અભિયાન, 25 જ દિવસમાં 28.43 લાખથી વધુનો દંડ વસૂલાયો

શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત નાઈટ ડ્રાઇવ, ચેકિંગ અભિયાન તથા દંડની કાર્યવાહી ચાલુ

MailVadodara.com - Intensive-cleanliness-campaign-by-Vadodara-Corporation-fines-of-more-than-28-43-lakhs-collected-in-just-25-days

- જાહે૨ સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરીને રૂ. 14,39,700નો દંડ વસૂલ કરાયો

- શહેરમાં સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ કરાઇ રહ્યું છે

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ રાખવા માટે સઘન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. સ્વચ્છતા ઝુંબેશ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો છે જેના ભાગરૂપે ફેબ્રુઆરી મહિનામાં માત્ર 25 દિવસમાં જ પાલિકાએ 28.43 લાખ જેટલો દંડ વસુલ્યો છે. એટલે કે રોજનો સરેરાશ 1.13 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવા તથા વિવિધ નિયમોના ઉલ્લંઘન સામે સઘન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. તારીખ 01 ફેબ્રુઆરી 2026 થી 25 ફેબ્રુઆરી 2026 સુધીના ટૂંકા ગાળામાં શહેરના તમામ વોર્ડમાં સઘન ચેકિંગ, નાઈટ ડ્રાઈવ અને ખાસ નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઝુંબેશ દરમિયાન બાંધકામનો કચરો, જાહેર સ્થળોએ ફેલાવવામાં આવતી ગંદકી, પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ અને અન્ય મ્યુનિસિપલ નિયમોના ભંગ બદલ કુલ રૂ. 28,43,500 જેટલી માતબર રકમનો દંડ વસૂલવામાં આવ્યો છે.

મહાનગરપાલિકાએ હાથ ધારેલી ઝુંબેશમાં Construction & Demolition Waste સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,02,600નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. ઉપરાંત શહે૨ના વિવિધ વિસ્તારોમાં હાથ ધરાયેલી નાઈટ ડ્રાઈવ દરમિયાન રૂ. 4,22,500નો દંડ ક૨વામાં આવ્યો હતો. જાહે૨ સ્થળે ગંદકી ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરીને રૂ. 14,39,700નો દંડ વસૂલ ક૨વામાં આવ્યો છે. તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત ઉલ્લંઘન બદલ રૂ. 3,34,700નો દંડ લેવામાં આવ્યો છે.

શહેરમાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા કંટ્રોલ સેન્ટર મારફતે સતત મોનીટરીંગ ક૨વામાં આવી રહ્યું છે. આ મોનીટરીંગ દરમિયાન ગંદકી ફેલાવનારાઓ તથા જાહેર સ્થળે કચરો ફેંકનારાઓને ઓળખી કાર્યવાહી હાથ ધ૨વામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 24 લોકોને ઓળખી તેમની સામે રૂ. 12,200નો દંડ ક૨વામાં આવ્યો હતો.

વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નિયમિત રીતે નાઈટ ડ્રાઇવ, ચેકિંગ અભિયાન તથા દંડની કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. મહાનગ૨પાલિકા દ્વારા નાગરિકોને શહે૨ની સ્વચ્છતા જાળવવામાં સહયોગ આપવા અપીલ ક૨વામાં આવી છે તેમજ જાહે૨ સ્થળે ગંદકી ન ફેલાવવા, સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અને મહાનગ૨પાલિકાના નિયમોનું પાલન ક૨વા વિનંતી ક૨વામાં આવી છે.

Share :

Leave a Comments