મોકસી ગામમાં ઇજાગ્રસ્ત દીપડો પાણીમાં ફસાઈ જતા વન વિભાગ અને સ્થાનિક લોકોએ મળીને રેસ્ક્યૂ કર્યું

છેલ્લા ઘણા સમયથી દીપડાના આંટાફેરાથી પંથકવાસીઓ-ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો

MailVadodara.com - Injured-leopard-trapped-in-water-in-Moksi-village-forest-department-and-locals-rescue-it-together

- ઇજાગ્રસ્ત દીપડાને સારવાર માટે વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં તાત્કાલિક મોકલી અપાયો


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દરમિયાન આજે દીપડો પાણીમાં ફસાઈ ગયો હતો. જેને પગલે વન વિભાગ ઘટના સ્થળે દોડી ગયું હતું અને ઈજાગ્રસ્ત દીપડાને ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યો હતો.


વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભાદરવા પંથકમાં આવેલા મોકસી ગામની સીમમાં છેલ્લા ઘણા સમયથી આ પંથકમાં દીપડા હોવાની લોકબૂમો ઉઠી હતી, તેના પગલે પંથકવાસીઓ અને ખેડૂતોમાં ભયનો માહોલ ફેલાયો હતો અને ખાસ કરીને ખેડૂત વર્ગ અને મજૂરીયાત વર્ગમાં પોતાના ખેતરોમાં જવા માટે દીપડાના ડરથી કાંપતા હતા, જેના કારણે વનવિભાગે પાંજરું મૂકવામાં આવ્યું હતું. આ દરમિયાન આજે ગામના જાગૃત નાગરિકને ખેડૂતો દ્વારા જાણવા મળ્યું હતું કે, એક દીપડો ઇજાગ્રસ્ત હાલતમાં પાણીમાં બેઠો છે, તેના પગલે તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી.


સ્થાનિક યુવાનો અને વન વિભાગના કર્મચારીઓના સહયોગથી દીપડાને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં સફળતા મળી હતી. આ વેળાએ મોટી સંખ્યામાં ગ્રામજનો અને ખેડૂતો દીપડાને જોવા ઉમટી પડ્યા હતા અને ઈજાગ્રસ્ત હોવાથી તેને સારવાર અર્થે ખસેડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારેદિપડો પાંજરે પુરાયો હોવાની ખબર વાયુવેગે પ્રસરતા પંથકવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.


મોકસી ગામના જાગૃત નાગરિક હરદીપસિંહ મહીડાએ જણાવ્યું હતું કે, આજે મોક્સી ગામની સીમ વિસ્તારની અંદર એક દીપડો જોવા મળ્યો હતો. ત્યારે ગ્રામજનોએ મને જાણ કરી હતી, મેં ઘટનાસ્થળે જઈને જોયું ત્યારે એ દીપડો પાણીની અંદર ફસાયેલો જોવા મળ્યો હતો. ત્યારે એ દીપડાની પરિસ્થિતિ જોઈને મેં તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી અને જેથી વન વિભાગની ટીમ સ્થળ પર આવી ગઈ હતી અને દીપડાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, દીપડાને સારવાર માટે વડોદરા ખાતે રેસ્ક્યુ સેન્ટરમાં તાત્કાલિક મોકલી આપવામાં આવ્યો છે. આ દીપડા દ્વારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અંદર ભયનો માહોલ ફેલાઈ રહ્યો હતો, ત્યારે આજે આ દીપડો સફળતાપૂર્વક પિંજરે પુરાતા ગામના ખેડૂતો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

Share :

Leave a Comments