- સ્વચ્છતા મુદ્દે મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજાઇ
- સ્કૂલ-કોલેજ નજીક પાન-સિગારેટના ગલ્લા સામે ઝુંબેશ થશે, ફૂટપાથ દબાણ દૂર કરી હોકિંગ ઝોન બનાવાશે
વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા મુદ્દે હવે કોઈને બક્ષવામાં નહીં આવે તેવો સ્પષ્ટ કોલ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આપવામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા, પ્રાથમિક સુવિધાઓ અને વિવિધ વિકાસ પ્રકલ્પોની સમીક્ષા માટે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં રિવ્યૂ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં શહેરની સ્વચ્છતા પરિસ્થિતિ અને જનફરિયાદોના નિકાલ અંગે કમિશનરે કડક વલણ અપનાવતા આગામી દિવસો માટે એક્શન પ્લાન જાહેર કર્યો હતો.
છેલ્લા દોઢ મહિના દરમિયાન મહાનગરપાલિકાની ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ગંદકી ફેલાવનારાઓ અને પ્લાસ્ટિકનો ગેરકાયદેસર ઉપયોગ કરનારાઓ સામે લાલ આંખ કરીને કુલ રૂ.1.12 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત, જાહેર આરોગ્ય સાથે ચેડાં કરનાર અને વારંવાર ગંદકી કરતા 121 જેટલા કમર્શિયલ અને વેપારી એકમોને સીલ કરવાની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

વડોદરા મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ સૌથી મોટી કાર્યવાહી ગણવામાં આવી રહી છે. કમિશનરે સ્પષ્ટ કર્યું હતું કે હવે પછી મનપાનું ખાસ ફોકસ શહેરના મુખ્ય માર્કેટો અને વ્યાપારી વિસ્તારો પર રહેશે, જ્યાં સ્વચ્છતાના નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે વધુ સખત પગલાં લેવાશે.
શહેરના નાગરિકોને સ્પર્શતા પ્રાથમિક પ્રશ્નો જેવા કે પીવાનું પાણી, ડ્રેનેજ લાઈન અને સ્ટ્રીટલાઈટ સંબંધિત ફરિયાદોનો સમયસર અને ઝડપી નિકાલ કરવા માટે કમિશનરે તમામ વોર્ડના જવાબદાર અધિકારીઓને સખત સૂચનાઓ આપી હતી. તમામ વોર્ડની કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરતાં કમિશનરે દાવો કર્યો હતો કે મહાનગરપાલિકાના સઘન પ્રયાસોના પરિણામે જનફરિયાદોના નિકાલમાં નોંધપાત્ર સુધારો થયો છે અને જાહેર સંતોષનું સ્તર પૂર્વના 30 ટકાથી વધીને હાલ 85 ટકા સુધી પહોંચ્યું છે.
આ સાથે જ તેમણે ચેતવણી આપી હતી કે જે અધિકારીઓ કે કર્મચારીઓ પોતાની કામગીરીમાં સુધારો નહીં લાવે, તેમને પ્રાથમિક નોટિસ આપ્યા બાદ શિસ્તભંગના કડક પગલાંનો સામનો કરવો પડશે.
શહેરના રસ્તાઓ અને ટ્રાફિક સુગમ બનાવવા માટે ફૂટપાથ પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરી ફેરિયાઓ માટે નિયમિત હોકિંગ ઝોન બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સિવાય, શૈક્ષણિક વાતાવરણ જાળવવા અને યુવાધનને વ્યસનથી દૂર રાખવાના આશયથી સ્કૂલ અને કોલેજોની નજીક આવેલા પાન-સિગારેટના ગલ્લાઓ સામે ટૂંક સમયમાં વ્યાપક ઝુંબેશ શરૂ કરવામાં આવશે. બેઠકમાં શહેરના મહત્વના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પર્યાવરણીય પ્રોજેક્ટ્સ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
કમિશનરે માહિતી આપી હતી કે અલકાપુરી ગરનાળાના બહોળા ઉપયોગ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટેના કામ અર્થે રેલવે વિભાગ તરફથી જરૂરી NOC મળી ગઈ છે, જેથી ટૂંક સમયમાં આ કામગીરી આગળ ધપાવવામાં આવશે. વિશ્વામિત્રી નદીને પ્રદૂષણમુક્ત કરવા માટે તેમાં ઠલવાતા ગંદા પાણીના પ્રવાહને રોકવા માટે મનપા દ્વારા વધુ આયોજનબદ્ધ કામગીરી હાથ ધરવામાં આવશે. શહેરના જળસંચય અને સૌંદર્યીકરણ માટે 10 મુખ્ય તળાવોના રેજ્યુવેનેશન (પુનરુદ્ધાર) અર્થે ડિટેઈલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ (DPR) તૈયાર કરવાની પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે.
શહેરમાં ક્લીન મોબિલિટી અને પર્યાવરણપ્રિય વાહનવ્યવહારને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે વધુ 30 નવી ઇલેક્ટ્રિક બસોનો ફ્લીટમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી સીટી બસ સેવાની ક્ષમતામાં વધારો થશે. બીજી તરફ, ચોમાસા બાદ થતા મોસમી રોગચાળા અને ખાસ કરીને ડેન્ગ્યુના કેસોને અંકુશમાં લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી વોટર સેમ્પલિંગ લેવાની કામગીરી અને મચ્છરજન્ય ઉપદ્રવ રોકવા માટે સઘન ફોગિંગની કામગીરી વધુ તેજ બનાવવાનો નિર્ણય લેવાયો છે.


