- ગરબા રમીને પરત ફરેલા બીજલ શાહે સોસાયટીમાં ઊભેલા યુવકોને જવાનું કહેતાં બોલાચાલી થઈ હતી
- સીસીટીવીના આધારે તન્મય પરમાર, ઉર્વેશ પરમાર અને દીપ મેનન સામે કાર્યવાહી કરાઈ
અકોટા વિસ્તારની સોસાયટીમાં મધરાત્રે સ્કૂટર લઇને ઉભેલા ત્રણ યુવક અને યુવતીઓને ટોકનાર સોસાયટીના રહીશને ગાળો ભાંડી કારમાં તોડફોડ કરનાર ત્રણ યુવકો સામે અકોટા પોલીસે ગુનો નોંધ્યો છે.
અકોટાની ચેતન સોસાયટીમાં રહેતા આર્કિટેક્ટ બીજલભાઇ શાહે પોલીસને કહ્યું છે કે તા.૧૮મીએ રાત્રે હું અને મારા પત્ની પોલોક્લબમાં ગરબા રમીને અમારી થાર ગાડીમાં પરત ફર્યા ત્યારે સોસાયટીમાં બે સ્કૂટર પર બે યુવતી અને ત્રણ યુવક ઉભા હતા. મેં કાર ઉભી રાખીને તેમને અહીં શું કરો છો..તેમ પૂછતાં ત્રણમાંથી એક યુવક નજીક આવ્યો હતો અને અહીં મારા ફોઇ રહે છે, અમે લઘુશંકા કરવા આવ્યા છીએ તેમ કહ્યું હતું. મેં તેમને આટલી રાત્રે ના અવાય તેમ કહી ચાલ્યા જવા કહેતાં અન્ય બે યુવકો નજીક આવ્યા હતા અને ગાળો ભાંડી તમારે શું છે, જોઇ લઇશું..તેવી ધમકી આપી ગયા હતા.
બીજલભાઇએ કહ્યું છે કે,સવારે કાર ધોવા આવેલા માણસે કાચ તોડી કારને ઘસરકા મારવામાં આવ્યા હોવાની જાણ કરતાં મેં સીસીટીવી તપાસતાં રાત્રે ૨.૪૪ વાગ્યે ત્રણેય યુવકો સ્કૂટર પર આવતા દેખાયા હતા.જેથી મેં તેમના ફોઇને જાણ કરતાં તેમણે યુવકોને બોલાવ્યા હતા.બે યુવકો આવ્યા હતા અને કારને નુકસાન અમે જ કર્યું છે તેમ કબૂલી થાય તે કરી લેજો તેવી ધમકી આપી હતી.જેથી અકોટા પોલીસે તન્મય પરમાર, ઉર્વેશ પરમાર અને દિપ મેનન સામે ગુનો નોંધ્યો છે.


