- યુવકે કહ્યું, યુવતીના ભાઇએ મારી બહેન અને મમ્મીને ધમકી આપી હતી કે, તને, તારા ઘરવાળા અને ઘરમાં જેટલા રહે છે એ બધાને સળગાવી દઈશ, જે થાય એ કરી લેજો, હું મોટો બુટલેગર છું
વડોદરામાં ફરી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. યુવતી સાથેના પ્રેમ પ્રકરણને લઈને યુવતીના ભાઈએ સ્કૂટર સળગાવી દેતા વિવાદ થયો હતો. આ મામલે સ્કૂટરના ચાલકે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
વડોદરામાં જાણે ખાખીનો ડર ના હોય તેમ અસામાજિક તત્વોનો આતંક વધવા માંડ્યો છે. વડોદરા શહેરના વારસીયા વિસ્તારમાં આવેલી પ્રમુખસ્વામી સોસાયટીમાં રહેતા 24 વર્ષીય રોહિત રામાવતાર શર્માએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છૂટક ઇલેક્ટ્રિક કામ કરીને ગુજરાન ચલાવે છે અને વર્ષ 2021માં કારેલીબાગ ખાતેથી TVS NTORQ સ્કૂટર ખરીદ્યું હતું. રોહિતના ભાઈ સંતોષ રામાવતાર શર્માને 23 વર્ષીય યુવતી સાથે પ્રેમ સંબંધ હતો. આ સંબંધની જાણ યુવતીના ઘરવાળાને પડતાં 23 ફેબ્રુઆરી, 2026ના રોજ બપોરના આશરે ત્રણ વાગ્યે યુવતીના કાકા, ફોઈ અને ભાઈ વિશાલ લાલવાણી રોહિતના ઘરે પહોંચ્યા હતા. ત્યાં બોલાચાલી અને ઝઘડો થતાં પરિવારે 112 પર ફોન કર્યો હતો. પોલીસની ગાડી આવતાં બંને પક્ષોને વારસીયા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સમાધાન થયું અને બધા ઘરે પરત ફર્યા હતા.

ઘટનાના બીજા જ દિવસે એટલે કે 24 ફેબ્રુઆરી, 2026ના રોજ રોહિત સમા ખાતે ગયા હતા. બપોરના આશરે 3.15 વાગ્યે તેમની બહેન કાજલે ફોન કરીને જણાવ્યું કે, યુવતીનો ભાઈ તેમના ઘરે આવીને બોલાચાલી કરી ગયો છે અને ત્યાંથી નીકળીને રોડ પર રાખેલી તેમની બાઈકને જ્વલનશીલ પ્રવાહી રેડીને સળગાવી દીધી છે. રોહિત તાત્કાલિક ઘરે પહોંચ્યા અને જોયું તો બાઈક સળગી ગઈ હતી. ગાડીને આગ લગાવી ઈસમ ફરાર થઇ ગયો હતો. બનાવની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ બુઝાવી હતી. જોકે, આગની લપેટમાં ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી.પાણીગેટ પોલીસે રોહિત શર્માની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
ફરિયાદી રોહિત શર્માએ જણાવ્યું હતું કે, વારસિયામાં રહેતા વિશાલ લાલવાણી નામનો વ્યક્તિ છે એની સાથે જૂની મેટર થઈ હતી. જોકે તેમાં સમાધાન થઈ ગયું હતું છતાં તેણે મારા ઘરે આવીને મારી બહેન અને મમ્મીને ધમકી આપીને ગયો હતો. બાદમાં બીજી વખત આવ્યો અને મારી ગાડી સળગાવીને જતો રહ્યો હતો. મારી બહેન અને મમ્મીને ધમકી આપી હતી કે, તને, તારા ઘરવાળા અને ઘરમાં જેટલા રહે છે એ બધાને સળગાવી દઈશ, જે થાય એ કરી લેજો, હું મોટો બુટલેગર છું. એ લોકો 23 ફેબ્રુઆરીએ પણ આવ્યા હતા. છોકરીની મેટર હતી. મારા ભાઈ સાથે પણ સમાધાન થયું હતું. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. મારી માગ છે કે એને કડકમાં કડક સજા થાય.


