વડોદરામાં દારૂના નશામાં ધૂત સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદુકથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર

GST ભવનમાં ફરજ બજાવતા ગાર્ડે ગતરાત્રે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો

MailVadodara.com - In-Vadodara-a-drunk-security-guard-fired-his-licensed-gun-in-the-air-causing-a-commotion

- ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો, ગાર્ડે જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યું

- સિક્યુરિટી ગાર્ડે પોતાના પરવાનાવાળા યુ.એસ. 107 બી એકનાળી હથિયારમાંથી એક રાઉન્ડ બ્લેન્ક કારતૂસ હવામાં ફાયર કર્યો હતો, બંદૂક તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા


વડોદરાના દાંડિયાબજાર વિસ્તારમાં ગત રાત્રે દારૂના નશામાં ધૂત એક સિક્યુરિટી ગાર્ડે પોતાની લાયસન્સવાળી બંદૂકમાંથી હવામાં ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ હતી. GST ભવનમાં ફરજ બજાવતા આ ગાર્ડે નવદુર્ગા મંદિર પાસે નશાની હાલતમાં ગોળીબાર કર્યો હતો, જેના કારણે દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓ અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.


આ ઘટનામાં જાગૃત મહિલાએ પોલીસને જાણ કરતા ઉશ્કેરાયેલા ગાર્ડે મહિલા પર પણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. રાવપુરા પોલીસે ગંભીરતા દાખવી આરોપી નરેન્દ્રસિંહ રાજની ધરપકડ કરી તેની બંદૂક અને કારતૂસ જપ્ત કરી પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના બે અલગ-અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સિક્યુરિટી ગાર્ડે પોતાના પરવાનાવાળા યુ.એસ. 107 બી એકનાળી હથિયારમાંથી એક રાઉન્ડ બ્લેન્ક કારતૂસ હવામાં ફાયર કર્યો હતો.


આરોપી નરેન્દ્રસિંહ દોલતસિંહ રાજ (ઉંમર 53 વર્ષ, અણખી ગામ, મોટા વાંટા ફળીયું, તા. જંબુસર, જિ. ભરૂચ) GIFSS કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરે છે અને હાલમાં વડોદરાના જી.એસ.ટી. સેવા કેન્દ્ર, કુબેર ભવન બીજા માળે, રાવપુરા ખાતે ફરજ બજાવે છે. તેણે જણાવ્યું કે વર્ષ 2004માં જંબુસરથી આ હથિયારનો પરવાનો મેળવ્યો હતો. આરોપીએ પોતાની નોકરી પૂરી કર્યા બાદ દાંડીયાબજાર તરફ જમવા જતી વખતે હવામાં એક રાઉન્ડ ફાયર કર્યું હોવાનું કબૂલ્યું છે. બનાવની જાણ થતાં પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આરોપીને કાબૂમાં લેવામાં આવ્યો હતો અને તેની પાસેથી બંદૂક તેમજ કારતૂસ કબજે કરવામાં આવ્યા હતા.


આ ઘટનાને નજરે જોનાર સ્થાનિક મનીષાબેન કહારે જણાવ્યું હતું કે, તેઓ મંદિરમાં દર્શન કરી રહ્યા હતા અને અચાનક શું થયું કે તેઓએ બંદૂક કાઢી ફાયરિંગ કર્યું હતું. તેઓએ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે, પરંતુ પોલીસ કહે છે એક રાઉન્ડ થયું છે, તે ફૂલ નશાની હાલતમાં હતા. મેં 112ને કોલ કર્યો તો મારી પર પણ હુમલો કર્યો હતો.

Share :

Leave a Comments