વડોદરા વોર્ડ-14માં લાંબા સમયથી પાણીની સમસ્યાને લઈ રહીશોએ પાલિકાની કચેરીના ગેટ પર માટલાં ફોડ્યાં

પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશોએ પાલિકા કચેરીએ વિરોધ નોંધાવ્યો

MailVadodara.com - In-Vadodara-Ward-14-residents-smashed-earthen-pots-at-the-gate-of-the-municipal-corporation-office-over-a-long-standing-water-issue

- કોંગ્રેસ કાઉન્સિલરની આગેવાનીમાં મોરચો, પૂરતા પ્રેશરથી નિયમિત પાણી આપવાની માગ


વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યાને લઈ લોકોમાં આક્રોશ વધતો જઈ રહ્યો છે, ત્યારે આજે શહેરના વોર્ડ નંબર-14 વિસ્તારના પાણી માટે વલખાં મારતા રહીશો કોંગ્રેસના કાઉન્સિલરની આગેવાની હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી ખાતે મોરચો લઈ પહોંચ્યા હતા. લાંબા સમયથી પાણીની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ પાલિકા તંત્ર વિરુદ્ધ ઉગ્ર વિરોધ પ્રદર્શિત કરી ગેટ પર માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હતો.


શહેરના વોર્ડ નંબર 14માં પાણીની સમસ્યા સતત યથાવત્ રહેવાને કારણે નાગરિકોમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. અગાઉ સામાન્ય સભામાં મેયર ગેટને તાળાં ન મારવા અંગે કોંગ્રેસના કાઉન્સિલરો દ્વારા કરવામાં આવેલી રજૂઆતની આજે સકારાત્મક અસર જોવા મળી હતી, જેના ભાગરૂપે આજે મેયર ગેટને તાળાં મારવામાં આવ્યા ન હતા. તેમ છતાં, પીવાના પાણી માટે વલખાં મારતા સ્થાનિક લોકોનો ગુસ્સો શાંત થયો ન હતો અને તેઓ મોટી સંખ્યામાં પાલિકામાં ઉમટી પડ્યા હતા.


કોર્પોરેશન કચેરી ખાતે પહોંચ્યા બાદ વિરોધ પ્રદર્શન વધુ ઉગ્ર બન્યું હતું. પાણી તરસ્યા સ્થાનિક લોકો અને મહિલાઓએ કોર્પોરેશનની કચેરીના ગેટ ઉપર માટલા ફોડીને તંત્રની નિષ્ક્રિયતા સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો. આ દરમિયાન પાણી આપો... પાણી આપો... ના પોકારોથી સમગ્ર પાલિકા પરિસર ગુંજી ઉઠ્યો હતો. રોષે ભરાયેલા લોકો ગેટની બહાર જ ધરણાં પર બેસી ગયા હતા અને પાલિકા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા.


આ ઉગ્ર વિરોધ પ્રદર્શન દરમિયાન મ્યુનિસિપલ કમિશનર રૂબરૂ ન મળતા આંદોલનકારીઓમાં વધુ રોષ ફેલાયો હતો. જો કે, સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી લોકોએ ડેપ્યુટી કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આ આવેદનપત્ર દ્વારા વોર્ડ નંબર 14માં વહેલી તકે નિયમિત અને પૂરતા દબાણથી પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તેવી ઉગ્ર માંગણી કરવામાં આવી હતી.

Share :

Leave a Comments