- બંને સાથે અભ્યાસ કરતા હતા, આ દરમિયાન વિદ્યાર્થીએ તેના મિત્રના ઘરે વિદ્યાર્થિની લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા હતા, પીડિતા અને આરોપી બંનેનું મેડિકલ કરાયું
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ તેના ક્લાસમાં જ અભ્યાસ કરતી વિદ્યાર્થિની ઉપર દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં આરોપી અને પીડિતા બંને માઇનોર છે. જેથી આરોપી સામે જુવેનાઇલ એક્ટના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલી એક સ્કૂલમાં 16 વર્ષની વિદ્યાર્થિની અને 17 વર્ષીય વિદ્યાર્થી એક જ ક્લાસમાં અભ્યાસ કરે છે. બંને ધોરણ 12માં અભ્યાસ કરે છે. આ દરમિયાન વિદ્યાર્થી તેના મિત્રના ઘરે વિદ્યાર્થિનીને લઈ ગયો હતો અને શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ ઉપરાંત અન્ય બેથી ત્રણ જગ્યાએ શારીરિક સંબંધ બાંધ્યા હોવાની માહિતી મળી છે.
આરોપી અને પીડિતા એક સાથે ભણતા હતા અને ઘરે મોબાઈલથી સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા. આ દરમિયાન વિદ્યાર્થિનીની માતાને જાણ થઈ હતી. જેથી સમગ્ર ઘટના અંગે વિદ્યાર્થિનીએ તેની માતાને જાણ કરી હતી. જેને પગલે સગીરાની માતાએ આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં વિદ્યાર્થી સામે ફરિયાદ નોંધાવી છે.
માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પીડિતા અને આરોપી બંનેનું મેડિકલ કરવામાં આવ્યું છે અને આરોપી પીડિતા સાથે કયા કયા સ્થળે દુષ્કર્મ આચર્યું છે તેની તપાસ શરૂ કરી છે.


