મકરપુરામાં ટુ વ્હીલરના લાયસન્સ કઢાવવાના બહાને ભેજાબાજે 4 લોકો પાસેથી રૂા.28 હજાર પડાવી લીધા

આરોપીએ જાહેરમાં ગાળો આપી મારી નાખવાની ધમકી આપી હતી, મકરપુરા પોલીસમાં ફરિયાદ

MailVadodara.com - In-Makarpura-a-thief-extorted-Rs-28-thousand-from-4-people-on-the-pretext-of-obtaining-a-two-wheeler-license

- લાયસન્સ ન મળતા રૂપિયા પરત માગતા વિશાલ પટેલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું, ફોન ઉપાડે તો લાયસન્સ આવી જશે, તેવા ઉડાઉ જવાબ આપીને ધાક-ધમકી આપતો હતો

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં લાયસન્સ કઢાવી આપવાના બહાને છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ભેજાબાજે ટુ-વ્હીલર લાયસન્સ અપાવવાની લાલચ આપી 4 લોકો પાસેથી 28,000 રૂપિયા પડાવી લીધા છે અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે વિશાલ પટેલ નામના શખ્સ વિરુદ્ધ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારની જશોદા કોલોનીમાં રહેતા અને આલ્મોડા કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતા પરેશ પુનમભાઇ વસાવાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓને ટુ-વ્હીલર લાયસન્સ કઢાવવાની જરૂર હતી. તેમની સાથે કામ કરતા મુકેશ બારીયાએ વિશાલ પટેલ (રહે. મકરપુરા ગામ) સાથે તેમની મુલાકાત કરાવી હતી. વિશાલ પટેલે લાયસન્સ કઢાવવા માટે રૂપિયા 7,000ની માંગણી કરી હતી.

પરેશભાઈએ વિશ્વાસ રાખીને માર્ચ 2024માં બે હપ્તામાં કુલ રૂપિયા 7,000 વિશાલ પટેલના કહેવા મુજબ 'ગાયત્રી' નામના વ્યક્તિના એકાઉન્ટમાં QR કોડ સ્કેન કરીને ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું છે કે, વિશાલ પટેલે માત્ર પરેશભાઇ પાસેથી જ નહીં, પરંતુ તેમની સાથે કામ કરતા અન્ય ત્રણ મિત્રો મુકેશ બારીયા પાસેથી રૂપિયા 10,000, કમલેશ કોલી પાસેથી રૂપિયા 4,000 અને હસમુખ પરમાર પાસેથી રૂપિયા 7,000 પાસેથી પણ લાયસન્સના નામે નાણાં પડાવ્યા હતા.

રૂપિયા આપ્યાના ઘણા સમય બાદ પણ લાયસન્સ ન મળતા પરેશ અને તેમના મિત્રોએ ઉઘરાણી શરૂ કરી હતી, ત્યારે વિશાલ પટેલે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ક્યારેક ફોન ઉપાડે તો લાયસન્સ આવી જશે, તેવા ઉડાઉ જવાબ આપીને ધાક-ધમકી આપતો હતો. એટલું જ નહીં, આરોપીએ જાહેરમાં ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. અંતે, કોઈ રસ્તો ન જણાતા ચારેય મિત્રોએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી, જેના આધારે પોલીસે આરોપી વિશાલ પટેલ વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments