- ટોલીનું પાછળનું પૈડું બાળકીના માથાના ભાગે લાગતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી, જેને પગલે તાત્કાલિક ગોત્રી જનરલ હોસ્પિટલ લઇ જતાં ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી
વડોદરા શહેરના ગોત્રી પોલીસ સ્ટેશન પાસે રમી રહેલી 9 માસની બાળકીનું ટ્રેક્ટરની અડફેટે મોત થયું છે. બાળકીના કાકા ટ્રેક્ટર રિવર્સ કરી રહ્યા હતા, તે સમયે બાળકીને અડફેટે લીધી હતી, જેમાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રત થઈ હતી અને હોસ્પિટલમાં પહોંચતા જ ડોક્ટર તેને મૃત જાહેર કરી હતી. આ મામલે ગોત્રી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકાના સરજુમી ગામના રહેવાસી અને હાલ ગોત્રી વિસ્તારમાં રહેતા રાકેશભાઈ ભુરસીંગભાઈ હઠીલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેઓ ટ્રેક્ટર ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. આ ઘટનાના દિવસે તે પોતાની પત્ની સુરેખા, 9 મહિનાની દીકરી પ્રિયંકા, મોટાભાઈ પિંકલ ભુરસીંગભાઈ હઠીલા અને મજૂર મયુર સાથે રેતીનો ઢગલો ભરવા ગોત્રી પોલીસ સ્ટેશન પાસે ગયા હતા. રાકેશભાઈ, સુરેખા અને મયુર લીંબડાના ઝાડ નીચે બેઠા હતા, જ્યારે પ્રિયંકા ગોળ પૈડાવાળી સાયકલ લઈને રમી રહી હતી.
આ દરમિયાન પિંકલભાઈ ટ્રેક્ટરની ટોલી રેતી ભરવા ટ્રેક્ટર રિવર્સ કરી રહ્યા હતા. આ સમયે પ્રિયંકા રમતાં-રમતાં ટોલીની પાછળ આવી ગઈ હતી, જેથી ટોલીનું પાછળનું પૈડું પ્રિયંકાને માથાના ભાગે લાગતાં તેને ગંભીર ઈજા થઈ હતી. જેથી રાકેશભાઈએ તેમના શેઠ મનીષભાઈને ફોન કર્યો, જેઓ ફોરવ્હીલર ગાડી લઈ આવ્યા હતા અને બાળકીને ગોત્રી જનરલ હોસ્પિટલ લઈ ગયા. જ્યાં હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટરે પ્રિયંકાને મૃત જાહેર કરી હતી. આ ઘટના અંગે રાકેશભાઈ ભુરસીંગભાઈ હઠીલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પોતાના મોટાભાઈ પિંકલ સામે ફરિયાદ નોંધાવી છે.